PUBG ગેમ રમનારા માટે ખરાબ સમાચાર, તમામ શાળામાં મૂકાયો પ્રતિબંધ
ઓનલાઇન રમાતી ગેમ ‘પબજી’ને દરેક સ્કૂલોમાં પ્રતિબંધિત જાહેર કરાઈ છે. આ ગેમની શિક્ષણ પર નકારાત્મક અસરો ન થાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલોને ગેમને લઇને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવા માટે પણ સૂચના અપાઇ છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શિક્ષણ વિભાગને પત્ર દ્વારા દરેક સ્કૂલોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાની જાણ કરી હતી. જેને કારણે શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, DEO અને DPOને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં ‘પબજી’ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ અંગે સાયકોલોજીસ્ટ ડૉ. પ્રણવ શેલતે જણાવ્યું હતું કે, ઘેલું લગાડનાર પબજીથી રમનારાને માનસિક અસરો થઈ શકે છે.
આ ઓનલાઇન ગેમની બાળકોના મગજ પર વિપરીત અસર થઇ રહી છે. જેને લઇને જાગૃત નાગરિક દ્વારા રાજ્યના બાળ અધિકારી સંરક્ષણ આયોગને પત્ર લખીને આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઇ હતી. પબજી ઓનલાઇન ગેમ બાળકોથી લઇને મોટી ઉંમરના લોકોમાં પણ લોકપ્રિય ગેમ બની છે. પરંતુ દરેક શાળાઓના શિક્ષકોએ બાળકોને સમજાવવા કે ગેમના ગેરફાયદા શું છે અને તેની અસર અભ્યાસ પર કઇ રીતે થાય છે. વિદ્યાર્થીઓને ગેમ અંગે જાગૃત કરવાના કાર્યક્રમો યોજવા સૂચના અપાઈ છે.
શાસનાધિકારી એલ.ડી.દેસાઈ મુજબ, બાળકો શાળાએ મોબાઇલ લાવતા નથી, પણ વાલી ઘરમાં બાળકોને મોબાઇલમાં ગેમ ડાઉનલોડ ન કરી આપે તે માટે મેસેજ કરાશે. સ્કૂલોમાં પણ શિક્ષકો બાળકોને જાગૃત કરશે. કારણ કે ગેમને કારણે નાનપણમાં જ બાળકોને માનસિક બીમારી થઇ શકે છે અને તેમના અભ્યાસ પર પણ અસર કરી શકે છે. તેથી સ્કૂલમાં તો પ્રતિબંધ છે પરંતુ બાળકો બહાર પણ ગેમ ન રમે તે માટે તેના પર પ્રતિબંધ મુકાયો છે.