Site icon Time News

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન, ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે(26 એપ્રિલ) મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું છે. ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 49% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે.

રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.

15 મહાનગરપાલિકાઓમાં 49% મતદાન

Exit mobile version