ડિસેમ્બર 2021થી પહેલા અંતરિક્ષ મોકલવામાં આવશે ભારતીય એસ્ટ્રોનૉટ, મહિલાઓનો પણ સમાવેશ
ભારત ડિસેમ્બર 2021માં અંતરિક્ષમાં માનવ અભિયાન મોકલશે. આ પહેલાં ડિસેમ્બર 2020 અને જુલાઇ 2021માં માનવરહિત અભિયાન મોકલવામાં આવશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) પ્રમુખ કે. સિવને શુક્રવારનાં રોજ આ જાણકારી આપી છે.
ભારતીય ગગનયાન માનવ મિશન માટે કેબિનેટ 10 હજાર કરોડ રૂપિયાનાં બજેટને મંજૂરી આપી ચૂકેલ છે. ડિસેમ્બરમાં કેન્દ્રીય વિધિ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત 3 એસ્ટ્રોનોટ સાત દિવસ સુધી અંતરિક્ષમાં રહી શકશે. આ પહેલાં 1984માં રાકેશ શર્મા અંતરિક્ષ યાત્રા કરનારા પ્રથમ ભારતીય હતાં, પરંતુ તે રશિયાનું મિશન હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 2022માં આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં પહેલાં ભારત અંતરિક્ષમાં માનવ મિશન સાથે ગગનયાન પણ મોકલશે. ઇસરો ચેરમેન કે. સિવને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગગનયાન માટે ડિઝાઇન તૈયાર થઇ ચૂકેલ છે. હજી અમે ક્ષમતાઓનાં અંદાજમાં લાગેલાં છીએ. સંપૂર્ણ સિસ્ટમને અધિક સ્વદેશી બનાવીશું.
ઇસરો પોતાની આ યોજનાને આગામી 40 મહીનાની અંદર પૂર્ણ કરવા ઇચ્છે છે. સિવન અનુસાર, 2022 સુધી ગગનયાનની ડેડલાઇન છે. આ ખૂબ કસેલો કાર્યક્રમ છે. પરંતુ ઇસરો આને ગમે તે રીતે સીમાની અંદર જ અંજામ આપશે.