લગ્ન કંકોત્રી આપવા જતા ભરખી ગયો કાળ, કાર અકસ્માતમાં માતા પુત્ર સહિત 3ના મોત
અરવલ્લી જીલ્લામાં જીવલેણ અકસ્માતો છાસવારે બનતા જ રહે છે. જીલ્લાના માર્ગો પરથી પસાર થતા કેટલાક વાહન ચાલકો તો ફોર્મ્યુલા-૧ ની રેસમાં ભાગ લઈ રહ્યા હોય તેમ અન્ય વાહનચાલકોની વિચાર કર્યા વગર બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી નિર્દોષ વાહનચાલકો ભોગ બનતા હોય છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના લાલજીના પહાડીયા ગામના પટેલ પરિવાર સાથે યમરાજાએ ક્રૂર મજાક કરી હોય તેમ લગ્ન પ્રસંગની કંકોત્રી મુકવા જતા પરિવારની કાર સાથે વાવડી ગામ નજીક અન્ય એક કાર ભટકતા ગમખ્વાર અકસ્માત થતા કારમાં સવાર માતા-પુત્ર અને પિતરાઈ ભાઈનું મોત નિપજતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવતા ભારે ચકચાર મચી હતી. માલપુર પંથક સહીત અરવલ્લી જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, માલપુરના લાલજીના પહાડીયા ગામે પટેલ પરિવારમાં લગ્નપ્રસંગ લેવાતા ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ મંગળવારે રાત્રીના ૮ વાગ્યાના સુમારે લગ્ન પ્રસંગની કંકોત્રી આપવા કાર લઈ નીકળેલા પરિવારની કાર સાથે માલપુરના વાવડી ગામ નજીક અન્ય કારે સામેથી અથડાવતાં બંને કારના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા કારમાં સવાર પ્રેમિલાબેન પટેલ, ખીલન પટેલ (માતા-પુત્ર) અને પિતરાઈ ભાઈ વિજય પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતના પગલે પરિવારજનો પહોંચી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણ શોકમગ્ન બન્યું હતું. અકસ્માતના કારણે પટેલ સમાજના અગ્રણીઓ અને આગેવાનો દોડી આવ્યા હતા. માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.