
દેશની રાજધાની દિલ્હીની હવા આ વખતે પણ શિયાળાની શરૂઆતમાં જ ભયાનક બની ગઈ છે, ત્યાં અમદાવાદ જેવા શહેરોમાં પણ હવામાનની સ્થિતિ ચિંતાજનક બની છે. આજે 22 નવેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યા સુધીના ડેટા મુજબ, અમદાવાદનો કુલ AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 214 પર પહોંચી ગયો છે, જે ‘સીવિયર’ (ખૂબ જ ભયાનક) કેટેગરીમાં આવે છે.
આનો અર્થ એ કે, હવા આટલી પ્રદૂષિત બની છે કે, તેમાં શ્વાસ લેવો દરરોજ 6.4 સિગારેટ પીવા જેટલું જોખમી છે. PM2.5નું સ્તર 139 માઇક્રોગ્રામ/ક્યુબિક મીટર અને PM10 183 માઇક્રોગ્રામ/ક્યુબિક મીટર સુધી પહોંચી ગયું છે. આ સ્થિતિ શિયાળાનો ધુમ્મસ, વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને કૃષિ કચરાના બળતણને કારણે વધી રહી છે. લોકોને અસ્થમા, હૃદયરોગ, એલર્જી અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધુ છે. aqi.inના લેટેસ્ટ અપડેટ મુજબ, ઉષ્માનપુરા વિસ્તારમાં AQI 213, જ્યાં PM2.5 138 અને PM10 182 છે. થલતેજમાં સ્થિતિ વધુ ખરાબ છે, AQI 204 સાથે PM2.5 129 અને PM10 186. શક્તિનગરમાં પણ AQI 204, જેમાં PM2.5 129 અને PM10 186 જેવા સ્તરો છે.
ઓઢવ સોનીની ચાલીમાં AQI 206, PM2.5 124 અને PM10 175. ગ્યાસપુર (અથવા ગુલબાઈ ટેકરા વિસ્તાર)માં AQI 199, જ્યારે સેટેલાઈટમાં AQI 222, PM2.5 147 અને PM10 170 આસપાસ છે. અન્ય વિસ્તારોમાં જેમ કે બોડાકદેવ અને રાખિયાલમાં AQI 220થી વધુ પહોંચી ગયો છે, જેમાં PM2.5 145થી 160 સુધીના સ્તરો જોવા મળ્યા છે. આ વિસ્તારોમાં રહેતા લોકો, ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે આ હવા જીવલેણ છે.
આ પ્રદૂષણની અસરથી બચવા માટે સરકાર અને તજજ્ઞો દ્વારા વિવિધ સલાહ આપવામાં આવી છે. સવારે વહેલી અને મોડી રાત્રે બહાર જવાનું ટાળો, કારણ કે તે સમયે પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય છે. મોર્નિંગ વોક કરતા હો તો N95 માસ્ક જરૂરી છે. ઘરની બારી-દરવાજા બંધ રાખો જેથી બહારની પ્રદૂષિત હવા અંદર ન આવે. ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો, ખાસ કરીને બેડરૂમ અને લિવિંગ એરિયામાં, જે ઇન્ડોર એર ક્વોલિટીને સુધારી શકે છે. વાહનોમાં એર ફિલ્ટર ચેક કરાવો અને બહાર જતા વખતે માસ્ક પહેરો.
આ ઉપરાંત, વ્યક્તિગત સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુ, હળદર, મધ અને ખાટા ફળો જેમ કે લીંબુ-સંતરાનું સેવન કરો. આમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરને પ્રદૂષણના કારણે થતી હાનિમાંથી બચાવે છે. ધુમ્રપાન અને સેકન્ડહેન્ડ સ્મોકથી દૂર રહો, કારણ કે તે પ્રદૂષણને વધુ ખરાબ બનાવે છે. જો શ્વાસમાં તકલીફ, છાતીમાં દુખાવો કે કફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.
પ્રદૂષણની આ સમસ્યા માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ દેશભરમાં ફેલાઈ રહી છે. દિલ્હીનો AQI 300થી વધુ છે, જ્યારે મુંબઈ અને બેંગ્લોરમાં પણ 150-180ની વચ્ચે છે. રાષ્ટ્રીય ક્લીન એર પ્રોગ્રામ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં સુધારો ધીમો છે. તજજ્ઞો કહે છે કે, વાહનોની ગણતરી ઘટાડવી, ગ્રીન બેલ્ટ વધારવી અને ઔદ્યોગિક ઉત્સર્જન પર નિયંત્રણ જરૂરી છે. આજના સમયમાં લોકોને સાવચેતી રાખવી જ પડશે, જેથી આ ‘ઝેરી હવા’થી બચી શકાય.
