Site icon Time News

સુરતમાં મળેલી બોમ્બની ધમકી બાદ પાટણ પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

રિપોર્ટર: આશિષ શાહ પાટણ

ગુજરાતના વિવિધ પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. ઈમેલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ, પોલીસ અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તરત હરકતમાં આવી ગયા હતા. રાજ્યભરમાં તમામ પાસપોર્ટ ઓફિસો અને સરકારી કચેરીઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દરેક સ્થળે સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખાસ કરીને પાટણ ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસમાં પણ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા દળો દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. ઓફિસના પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શંકાસ્પદ વસ્તુઓની શોધખોળ માટે દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

કલાકો સુધી ચાલેલી તપાસ બાદ કોઈ બોમ્બ કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની માહિતી મળતા સ્થાનિક લોકોમાં પણ થોડો ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ તપાસમાં કંઈ ન મળતાં પાટણની જનતામાં હાશકારો જોવા મળ્યો હતો. સુરક્ષા એજન્સીઓ હવે આ ધમકીભર્યા ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ અને તેની પાછળના કારણોની તપાસ કરી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ‘COVID-19 વેક્સિનની આડઅસર મુદ્દે યોગ્ય વળતર નીતિ બનાવો’, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ આદેશ 

Exit mobile version