મકરસંક્રાતિને લઇને પતંગ અને દોરીના ભાવમાં થયો અધધધ વધારો
મકરસંક્રાતિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે દોરાના ભાવમાં ૧પ થી રપ ટકા અને પતંગના ભાવમાં ૩૦ થી ૪પ ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પતંગ માર્કેટમાં ખૂબ ચાલી રહી છે, જોકે સાથે-સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પિક્ચરવાળી પતંગની પણ બોલબાલા છે. ઉત્તરાયણ પર્વની આડે હવે ગણતરીના ૧ર દિવસ બાકી રહ્યા છે, પરંતુ બજારમાં હજુ ખરીદીનો માહોલ જામ્યો નથી. હજુ બે-ત્રણ દિવસ પછી પતંગ-દોરીના બજારમાં ખરીદી જોવા મળશે તેવી પતંગબજારના વેપારીઓ-દુકાનદારો આશા સેવી રહ્યા છે.
ત્યારે ૧૦૦ પતંગના ભાવમાં આ વર્ષે સીધો રૂ.૬૦નો વધારો નોંધાયો છે કાગળના ભાવમાં વધારો થવાના લીધે પતંગનો ભાવ વધ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. નાની પતંગ પહેલાં રૂ.૧૩૦ની કોડી મળતી હતી, જે વધીને હવે રૂ. ર૦૦ થઇ છે, જ્યારે મોટી પતંગ રૂ.૪પ૦ આસપાસ ગત વર્ષે મળતી હતી, જે ભાવ વધીને આ વર્ષે હવે રૂ.પ૭૦ સુધી પહોંચ્યો છે. હજુ પણ છેલ્લા દિવસોમાં ભાવ વધવાની શક્યતા છે. પાંચ જાન્યુઆરી સુધી અલગ અને પાંચ જાન્યુઆરી પછી પતંગના ભાવ અલગ હોય છે.