‘અમદાવાદ ના રાજા’ના થીમવાળી ૭ ફૂટની માટીમાંથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણ પ્રત્યે જાગૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ
દેશભરમાં ધામધૂમ પૂર્વ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ વખતે રાજ્યભરમાં ઇક્રો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું ચલણ ખુબ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં વિશેષ રસ દાખવી સરકાર પણ આવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપી રહી છે. દેશભરમાં મુંબઇના ‘લાલબાગ ચા રાજા’ની ગણેશ પ્રતિમાનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે અમદાવાદમાં સહાજનંદ કોલેજ પાસે ‘અમદાવાદ ના રાજા’ના થીમવાળી ૭ ફૂટની માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. આયોજક આનંદ દોશીના જણાવ્યા અનુસાર, અમે છેલ્લા ૧૩ વર્ષથી ઇક્રો-ફ્રેન્ડલી ગણપિતની જ સ્થાપના કરી રહ્યા છીએ.
અમે ગુજરાત સરકારના ઇક્રો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અભિયાન અને ગુજરાત ગણેશ ઉત્સવ ઍસોસિયેશનને પૂરતો સહયોગ આપી રહ્યા છીએ. આ વખતે અંદાજિત ૭ ફૂટની ‘અમદાવાદ ના રાજા’ના થીમવાળી ગણેશજીની પ્રતિભા માટીમાંથી તૈયાર કરવામાં આવી છે. આ સાથે રાજા દરબારમાં બેઠા હોય તે પ્રકારનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. આ આખી મૂર્તિ સ્પેશિયલ માટી અને પત્થરોમાંથી બનાવવામાં આવી છે. આ મૂર્તિનું વજન અંદાજિત ૮૦૦ કિલો જેટલું છે. ગણેશ વદના પરિવારના ૧૫થી ૨૦ સભ્યોએ સ્પેશિયલ ઇક્રો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે.
અમદાવાદ અને પાટણના કારીગરો દ્વારા સ્પેશિયલ આભૂષણો અને અલંકારથી ગણેશજીની મૂર્તિ પર શણગાર કરવામાં આવ્યો છે. જામનગરથી કથ્થઇ કલરના પત્થરથી ઇકો-ફ્રેન્ડલી કલર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાંથી ઘેરુ પત્થર અને કચ્છની સફેદ માટીમાંથી બનાવેલ ઇકો-ફ્રેન્ડલી કલરનો ઉપયોગ મૂર્તિના શણગારમાં કરવામાં આવ્યો છે.