લો બોલો… હવે ગેસ કટરથી SBI એટીએમને કાપીને ચોરી કરવાનો પ્રયાસ
શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીએ એ માજા મૂકી છે હત્યા, લૂંટ, ચોરી, તફંડચી જેવા બનાવો દિનપ્રતિદિન વધતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. તસ્કરો પણ પોલીસથી બચવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. નરોડા વિસ્તારમાં તસ્કરોએ એટીએમ તોડવાનો પ્રયત્ન કર્યો છે. એટીએસ તોડવામાં નાકામિયાબ રહેલા તસ્કરો જતા રહ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં આવેલા પટેલકુંજ જશવંત કોલોની પાસે થોડા દિવસ પહેલાં એસબીઆઇના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા. જાહેર રોડ પર આવેલા એસબીઆઈના એટીએમમાં તસ્કરોએ ગેસ કટર, સિલિન્ડર અને કેટલાંક સાધનો લઈને ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમ ન કપાતાં તેઓ પરત ફર્યા હતા. તસ્કરોએ એટીએમમાં કોમેસ્ટિક ડોર તથા પ્રેઝન્ટર, સેફ ડોર ગેસ કટરથી કાપતાં ૨.૫૦ લાખનું નુકસાન કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં નરોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ભારે મહેનત બાદ પણ તસ્કરોએ એટીએમ તોડવામાં નાકામિયાબ રહેતા તે ગેસ સિલિન્ડર સહિત ગેસ કટર એટીએમમાં મૂકીને નાસી છુટ્યા હતા. નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ અંગે તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છે કે નરોડા વિસ્તારમાં દેવી કોમ્પ્લેક્સ પાસે લોકોની અવરજવર રહેતી હોય છે. આ રસ્તા પર લોકો આવતા જતા હોવા છતાં તસ્કરો એટીએમમાં ચોરી કરવા ઘૂસી ગયા હતા. એટીએમ સેન્ટર ઉપર એક પણ સિક્યોરિટી ગાર્ડ ન હોવાને કારણે આવી ચોરીને તસ્કરો અંજામ આપતા હોય છે.