Gujarat

દેશના 131 શહેરોમાં ગુજરાતનું આ શહેર સૌથી વધુ સ્વચ્છ સિટી જાહેર, જાણો કેટલું મળશે ઇનામ

દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે 13મું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશના 131 શહેરોને પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ડાયમન્ડ સિટીએ કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવ્યા છે.

સુરત 2023-24ના પીએમ10 ના રજકણોમાં 12.71 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું. 2023માં સુરતે ખૂટતી સુવિધા, કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતાં આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે.

આ સિદ્ધિ બદલ 7મી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજનારા સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડની ઇનામી રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે.

ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન-એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 ટકા ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી.શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે આઠ પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ છે.

સુરત મહાનગરપાલિકાએ પાંચ વર્ષના સમયમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 5000 કરોડના અનેક પ્રોજેક્ટ્‌સ બનાવ્યા હતા જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, તમામ ઘરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે 35 ટકા ઈ-વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કરાયો છે.વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટીટ્યૂટના સહયોગથી 280 કાર્યરત પ્રોજેકટોમાં સ્વચ્છ બાંધકામ માર્ગદર્શિકાનું પાલન કરી કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા સાથે કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટની વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાઈ છે. જાહેર પરિવહનમાં 580 ઇ-બસોનું સંચાલન થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button