અમદાવાદ: પૂલવામાં હૂમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, બજારો રહ્યા બંધ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં તેમજ આંતકવાદી સામે પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે અમદાવાદના બજારમાં લોકોએ સ્વંયભૂ બંધ રાખ્યાં હતાં. પુલવામામાં થયેલા આંતકી હુમલાના પગલે આખા દેશે એકસંપ થઇને પોતાના આક્રોશ વ્યકત કર્યો છે અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. આંતકવાદીઓ અને તેને પોષતા પાકિસ્તાનને હવે એવો જડબાંતોડ જવાબ આપવામાં આવે કે તે ફરી ક્યારેય આવા હુમલો કરવાનું વિચારી પણ શકે નહી તેવા આક્રોશ લોકોએ વ્યકત કર્યો છે. જવાનો પરના હુમલાની ઘટનાને પગલે અમદાવાદીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
શહેરની દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક ધર્મના લોકોએ આ ઘટનાને સખત રીતે વખોડી હતી અને રોડ પર ઊતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યકત કર્યો હતો. કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે વિવિધ મંદિરોમાં પણ મૌન અને પ્રાર્થના સભા યોજાઈ હતી, પોલીસ, સોસાયટીઓ, કોર્ટ, સ્કૂલો-કોલેજોમાં લોકોએ શહીદોના માનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા અને ઠેર ઠેર પાકિસ્તાનના ઝંડા પણ સળગાવી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આજે પણ શહીદોના માનમાં તેમજ આંતકવાદીઓ સામે પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે શહેરનાં બજારો સ્વંયભૂ બંધ પાળશે. વહેલી સવારથી શહેરનું મસ્કતી માર્કેટ, ન્યૂ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, સુમેલ માર્કેટ, સિંધી માર્કેટ, ઘીકાંટા ગાર્મેન્ટ, આસ્ટોડિયા રંગાટી મહાજન, ઢાલગરવાડ કાપડ બજાર, કાલુપુર ફ્રૂટ માર્કેટ, ચોક્સી મહાજન, નરોડા બજાર, ભદ્ર પાથરણા માર્કેટ, રિલીફ રોડ ઈલેક્ટ્રોનિક્સ બજાર, મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટ તેમજ અન્ય કેટલાક બજારોએ સ્વંયભૂ બંધ પાળ્યું હતું.
રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ હતી. શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના ૧૬૫ કાપડ માર્કેટની ૭૦થી ૭૫ હજાર દુકાન બંધ રહી હતી તથા ટ્રાન્સપોર્ટ એસોસીએેશન બંધ પાળ્યો હતો. ગઇ કાલે ન્યૂ કલોથ માર્કેટ ગેટ નં.૪ પાસે તમામ વેપારી મહાજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજીને જાહેર શોકસભાનું આયોજન કરાયું છે. કુબેરનગર, ગોતા, અખબારનગર સહિતના વિસ્તારોમાં લોકોએ કેન્ડલ માર્ચ યોજીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને આક્રોશ વ્યકત કર્યો હતો.