અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટને કુલ ૯.૭ કિ.મી. લંબાઇમાં કરાશે વિકાસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેકટ તૈયાર કરાયો છે. નાગરિકોને આનંદપ્રમોદ અને મનોરંજનનાં સાધનો મળી રહે તે આશયથી માર્ચ-ર૦૦પમાં તંત્ર દ્વારા રિવરફ્રન્ટ માટે નદીમાં ડાયાફ્રામ વોલ ઊભી કરવા પાયો ખોદાયો હતો. હવે સત્તાવાળાઓએ નદીના બંને કાંઠે છેક ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ પ્રોજેકટને લંબાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
રિવરફ્રન્ટ પ્રોજેકટના ફેઝ-બે હેઠળ પશ્ચિમ કાંઠા પર ટોરેન્ટ પાવરથી ઇન્દિરાબ્રિજ સુધી એટલે કે ૪.૩ કિ.મી. લંબાઇ અને પૂર્વ કિનારે ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધી એટલે કે પ.૪ કિ.મી. લંબાઇ મળીને કુલ ૯.૭ કિ.મી. લંબાઇમાં રિવરફ્રન્ટનો વિકાસ કરાશે. તંત્ર દ્વારા શાહીબાગ ડફનાળા પાસેના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય હસ્તકની એક લાખથી વધુ વારની જમીન સંપાદન માટેની કાર્યવાહી રદ કરાઇ છે. આ જમીન મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંરક્ષણ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરાઇ ગઇ હોય આગામી દોઢ-બે મહિનામાં આ માટેની પરવાનગી મળી જશે તેવી શક્યતા છે.
જ્યારે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ પાસેથી પણ નદી કિનારાની જમીન મેળવવાની કામગીરી આગળ વધી રહી છે. તંત્ર દ્વારા પશ્ચિમ કિનારે કુલ પ૭ હેકટર અને પૂર્વ કિનારે ૪૪ હેકટર જમીન મળીને કુલ ૧૦૧ હેકટર જમીનને રિવરફ્રન્ટ પ્રોજેકટના ફેઝ-ર માટે પ્રાપ્ત કરાશે. આ સમગ્ર પ્રોજેકટ પાછળ રૂ.૮પ૦ કરોડનો ખર્ચ થશે.