અમદાવાદ: એએમટીએસની દરેક બસમાં મુકાશે ટાઇમ ટેબલ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનું આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું શાસક ભાજપ પક્ષ દ્વારા રૂ.૪૮૮.૦૮ કરોડનું સુધારિત બજેટ આજે સવારે ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ રજૂ કરાયું હતું. એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર દ્વારા પોતાના પ્રથમ સુધારિત બજેટમાં આશરે રૂ. ૬.૧૦ કરોડના સુધારા કરાયા છે.
આ બજેટમાં દરેક બસમાં ટાઈમટેબલ મૂકવાની ખાતરી શાસકો દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રીનાથ, વાસણા, નરોડા, મિલ્લતનગર બસ ટર્મિનસમાં આરસીસી રોડ, ટર્મીનસના દબાણ હટાવવા સ્વતંત્ર એસ્ટેટ સેલની રચના જેવી બાબતોનો સમાવેશ કરાયો છે.અગાઉ ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકર દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ. ૪૮૧.૯૮ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું, જેમાં દરરોજ ૭૦૦ બસ રોડ પર મૂકવાનું તંત્રનું આયોજન છે એટલે કે પેસેન્જર્સ માટે બસની સંખ્યાના મામલે ભારે નિરાશાજનક ચિત્ર છે.
દૈનિક રૂ. એક કરોડના ખોટના ખાડામાં ધકેલાયેલી સંસ્થાના ડ્રાફ્ટ બજેટમાં સત્તાવાળાઓ દ્વારા આવક વધારવાની અને ખર્ચ ઘટાડવાની દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયાં ન હોઈ આગામી નાણાકીય વર્ષમાં પણ રૂ. ૩૫૦ કરોડની લોન મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેળવીને એએમટીએસ બસનાં પૈડાંને ચલાવવાની ફરજ તંત્રને પડી છે.