અમદાવાદ: RTOમાં કારની ખોટી કિંમત જણાવી કરાઇ 12 લાખની ટેક્સ ચોરી
સુભાષબ્રિજ આરટીઓમાં 2.66 કરોડની કિંમતની કારની કિંમત 66 લાખ બતાવી અંદાજે 12 લાખની ટેક્સ ચોરી કરાઈ છે. 6 ટકા પ્રમાણે કાર પર 16 લાખ ટેક્સ થાય, પરંતુ 3.96 લાખ જ ટેક્સ વસુલાયો છે. અધિકારીઓ-કર્મચારીઓની મિલીભગતથી ગેરરિતી થયાની શંકા છે. કૌભાંડ બહાર આવ્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. પરંતુ ટ્રાન્સપોર્ટ વિભાગના હેડકલાર્કથી લઇ રશીદ ઇસ્યુ કરનાર કલાર્કની પૂરેપૂરી સંડોવણી હોવાનું મનાય છે.
કાર અન્ય રાજ્યની હોય તો કુલ કિંમતના 6 ટકા ટેક્સ થાય અને જો વિદેશની હોય તો 12 ટકા મુજબ ટેક્સ વસુલાય છે. કાગળો પરથી ટેક્સ ચોરીની હકિકત બહાર આવશે અને વધુ ટેક્સ ચોરી નીકળશે. આઇટી વિભાગમાં કારના કાગળો જમા કરાવી એન્ટ્રી પડાવ્યાની શક્યતા છે. એન્ટ્રી બાદ ટેક્સની રશીદ મેળવવામાં આવી હોવાનું મનાય છે. જેથી રશીદ ઇસ્યુ કરનાર કલાર્કની પણ સંડોવણીની શક્યતા હોઇ શકે.
આરટીઓ એસ.પી. મુનિયાએ કહ્યું કે, કાર દેશની કે વિદેશની હતી, તેની જાણકારી નથી. રશીદ ઇસ્યુ કરનાર મહિલા કલાર્કને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. ખુલાસો બાદ પગલાં ભરાશે. કારનો ચેસીઝ નંબર બ્લોક કરી દેવાયો હોવાથી હાલ તેના કાગળો સીધા રજૂ કરી શકાશે નહીં. કાગળો આવ્યા પછી તેની ચકાસણી કરાશે. પૂરેપૂરો ટેક્સ વસુલાશે.