અમદાવાદ : મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા કરાયેલી હડતાળ કરાઇ સ્થગિત
અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા ગઇ કાલ મધરાતથી તંત્રની ભરતી પ્રક્રિયામાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ મૂકીને હડતાળ આરંભાઇ હતી, પરંતુ શાસકોએ આ મામલે યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપતાં સાંજના ચાર વાગ્યા સુધી હડતાળને સ્થગિત કરી હતી.
સેન્ટ્રલ વર્કશોપમાં સિનિયર ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટરની જગ્યામાં નિમણૂક પામેલા જે તે કર્મચારી પાસે લાયકાત કે અનુભવ નથી. બીજી તરફ ર૦ થી રપ વર્ષનો અનુભવ ધરાવતા ડબલ ગ્રેજ્યુએટ કર્મચારીઓની બાદબાકી કરાઇ છે. આ જ પ્રકારે ફાયર બ્રિગેડમાં તંત્ર દ્વારા મનમાની કરાઇ છે.
આમાં લાગતા-વળગતાઓનાં સંતાન કે સગાં-સંબંધીઓની ભરતી કરવાનો કારસો જણાઇ આવે છે તેવો ગંભીર આક્ષેપ કરતાં અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળના અગ્રણીઓએ એવો દાવો કર્યો હતો કે આ બાબતના વિરોધમાં ગઇ કાલ મધરાતથી રોડ, પાણી, મેનહોલ અને બિલ્ડિંગ વિભાગના વર્ગ-ત્રણ અને ચારના સેંકડો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હતા, પરંતુ આજે સવારે મણિનગર ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે આ મામલે વાતચીત થતાં સાંજના ચાર વાગ્યા સુધી હડતાળને સ્થગિત કરાઇ છે.