અમદાવાદીઓ માટે માઠા સમાચાર, હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ઓનલાઇન ઓર્ડર લેવાનું કરાયું બંધ
અમદાવાદ ખાતે હોટલ્સ અને રેસ્ટોરન્ટસ એસોસિએશન દ્ધ્રારા ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતી કંપની સ્વિગીના ઓર્ડર લેવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓનલાઈન ફૂડ કંપનીઓના કારણે હોટલ્સ-રેસ્ટોરન્ટના ગ્રાહકો ઓછા થઇ જવા સાથે ૪૦ ટકા ફૂડ કોસ્ટ સામે આ ઓનલાઈન ફૂડ કંપનીઓના ૨૦ ટકા કમિશનથી ધંધો પડી ભાંગ્યો હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વિવિધ હોટલ્સ અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકોએ ઓનલાઈન ફૂડ કંપનીઓની દાદાગીરી સામે નહિ ઝુકવાનો નિર્ણય કર્યો છે. જયારે ઉબેર અને ઝોમેટો સહીત અન્ય ઓનલાઈન ફૂડ ડીલીવરી કંપની સાથે આ એસોસિએશનની વાતચીત ચાલી રહી છે. અમદાવાદ ખાતે હોટલ્સ અને રેસ્ટોરન્ટસ એસોસિએશનની મળેલી એક બેઠકમાં ૫૦૦ જેટલા હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં માલિક તેમજ સંચાલકોએ ઓનલાઈન ફૂડ કંપનીઓની દાદાગીરી નહિ ચાલવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સ્વિગી કંપનીએ પોતાની શરતે કમીશન લેવાની વાત કરી હતી. જયારે ઝોમેટોએ સમય માંગતા સ્વિગીના ઓર્ડર નહિ લેવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોઈ કંપની દ્ધ્રારા લીગલ પ્રક્રિયા કરવામાં આવે તો પણ એસોસીએશને તમામ હોટલ્સ અને રેસ્ટોરન્ટ માલિકો-સંચાલકોની સાથે રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, ઓનલાઈન ફૂડ કંપનીઓના કારણે ગ્રાહકો ઘટી રહ્યા છે. જેમાં આવા ગ્રાહકોને હોટલ કે રેસ્ટોરન્ટ સુધી પાછા લાવવામાં ભારે મહેનત કરવા સાથે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આ ફૂડ કંપનીઓ મોટા પાયે ડેટા એકત્રિત કરી વેચી રહ્યા હોવાના આરોપો લગાવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જયારે હોટલ્સ અને રેસ્ટોરન્ટસમાં ૪૦ ફૂડ કોસ્ટ ઉપરાંત ભાડું, પગાર, ગેસ-લાઈટ ખર્ચ સાથે માત્ર ૧૦ ટકા જેટલો જ નફાનો ગાળો રહેતો હોય છે. તેમાં ફૂડ કંપનીઓ ૨૦ ટકા કમીશન માંગતી હોવાથી ધંધો રહ્યો જ નહિ હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.