PSI રાઠોરની થઈ અંતિમવિધિ, છવાઇ શોકની લાગણી
કરાઈ એકેડેમી ખાતે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોરના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે જેમાં ડીવાયએસપી એન. પી. પટેલ સામે આપઘાતની દુષપ્રેરણા અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય અંગે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ બાદ પરિવારજનોએ પીએસઆઈ રાઠોરનો મૃતદેહ સ્વીકાર્યો હતો. પાંચ દિવસ બાદ તેમનો મૃતદેહ ઘરે પહોંચ્યો હતો. તેમનો મૃતદેહ જોઈ પરિવાર ભાંગી પડ્યો હતો.
કરાઈ એકેડેમી ખાતે તાલીમ લઈ રહેલાના પીએસઆઈ દોવેન્દ્રસિંહ રાઠોરના આપઘાત કેસમાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવવા માટે પણ ભારે જહેમત કરી હતી. અહીં સુધી કે તેમણે જો ન્યાય ન મળે તો ગુજરાત છોડી દેવાની પણ તૈયારી કરી લીધી હતી. મૃતદેહ ઘરે લાવતાં જ ઘરનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારના ચોધાર આંસુઓ સાથે તમની અંતિમવિધિની તૈયારી શરૂ કરી હતી. પીએસઆઈના માતા પિતા, ભાઈ અને તેમની પત્ની ભારે શોકમાં સરી પડ્યા હતા. આજ સવારથી જ તેમના ઘર પાસે સ્વજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પીએસઆઈએ આત્મહત્યા અગાઉ ચીઠ્ઠી લખી હતી જેમાં તેમણે મોત માટે ડીવાયએસપી એન. પી. પટેલને જવાબદાર ઠેરવ્યા હતા અને આજીવન કારાવાસની સજાની માગ કરી હતી. મૃતકના પત્ની ડિમ્પલે પણ સોલા પોલીસને આપેલા નીવેદનમાં આરોપ મુક્યો હતો કે આ ડીવાયએસપી પોતાના પતિને સજાતીય સંબંધ બાંધવા મજબુર કરી ત્રાસ આપતા હતા અને આ જ કારણે તેમણે આપઘાત કરી લીધો હતો.