Site icon Time News

અમદાવાદીઓ તૈયાર રહેજો! સાયરનનો અવાજ સંભળાય તો ગભરાતા નહીં, જાણો શું છે કારણ…

 આગામી 7 માર્ચના રોજ અમદાવાદના આકાશમાં ફરી એકવાર સાયરનનો ગુંજારો સંભળાશે. જોકે, આ અવાજ સાંભળીને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં નવા સાયરન સિસ્ટમના ટેસ્ટિંગ માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિક સંરક્ષણ તાલીમશાળા, અમદાવાદના કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક એ.એ.શેખ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા નવા આધુનિક સાયરનોની ખરીદી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ખરીદી કરતા પહેલા, સાયરનની કાર્યક્ષમતા અને તેના અવાજની મર્યાદા (Range) ચકાસવી અનિવાર્ય છે. આ ટેસ્ટિંગનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે આપાતકાલિન સ્થિતિમાં આ સાયરન કેટલા અસરકારક સાબિત થઈ શકે છે.

જો તમે લાલ દરવાજા કે તેની આસપાસના વિસ્તારમાં રહેતા હોવ અથવા ત્યાંથી પસાર થવાના હોવ, તો નીચેની વિગતો ખાસ નોંધી લેજો. 07 માર્ચ, 2026ના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન, હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ. આ બે કલાક દરમિયાન સમયાંતરે અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે.

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી યુદ્ધ જેવી સ્થિતિ વખતે ગુજરાતના સરહદી વિસ્તારો અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવતા હતા. લાંબા સમય બાદ ફરી જ્યારે શહેરમાં સાયરન વાગવા જઈ રહ્યું છે, ત્યારે વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક નિયંત્રિત પરીક્ષણ (Controlled Testing) છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું છે કે આ સાયરન કોઈ દુર્ઘટના કે કટોકટીનો સંકેત નથી. લોકોએ કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાટ કે અફરાતફરીનો માહોલ ન સર્જાય તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે. આ એક સામાન્ય ટેકનિકલ પ્રક્રિયા છે. નવા અને આધુનિક સાયરન આવવાથી ભવિષ્યમાં કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે નાગરિકોને ઝડપથી સુરક્ષિત કરી શકાશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ, ભારતના આ રાજ્યમાં નિર્ણય

Exit mobile version