અમદાવાદ: 2 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરવાની ઘટના
અમદાવાદ શહેરમાં અવાર નવાર બાળકોના અપહરણના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો શહેરના રખિયાલ વિસ્તારમાં બે વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાતે ઘરની બહાર રમતી બાળકીને રાહુલ નામનો યુવક ઉઠાવી ભાગવા જતો હતો ત્યારે લોકોએ તેને ઝડપી લીધો હતો અને રખિયાલ પોલીસને હવાલે કર્યો હતો.
રખિયાલની કાસમ છીપાની ચાલીમાં રહેતા મુરશીદ હુસેન શેખની બે વર્ષની પુત્રીને તેના કાકા મુનાવર હુસેન ગઈકાલે રાતે 11 વાગ્યે બહાર ફરવા લઈ ગયા હતા. મુનાવરને કોઈ કામ આવતા બાળકીને ઘરની બહાર મૂકીને જતો હતો. તે દરમ્યાનમાં એક અજાણ્યો શખ્સ બાળકીને ઉઠાવી જતો હતો. આસપાસના લોકો જોઈ જતાં તેને ઝડપી લઈ પોલીસને જાણ કરી હતી. રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ રાહુલ જોગિંદર રામ (રહે. બિહાર)હોવાનું જણાવ્યું હતું.