અમદાવાદ: બોગસ કોલસેન્ટર પર પોલીસની રેડ, 52 લોકોની કરાઇ ધરપકડ
શહેરમાં ચાલતા કોલસેન્ટરો પર પોલીસે તવાઈ બોલાવી છે. સતત ત્રીજા દિવસે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે પ્રહલાદનગર વિસ્તારમાંથી બોગસ કોલસેન્ટર ઝડપી 30 આરોપીની ધરપકડ કરી છે, જયારે સોલા પોલીસે બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી કોલસેન્ટર ઝડપી 22 આરોપી પકડયા છે.
પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં કેટલાક શખ્સ બોગસ કોલસેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડી રાતે દરોડો પાડી 30 લોકોની ધરપકડ કરી હતી. ગાડીમાં ડ્રગ્સ હોવાનું કહી તેઓ રૂપિયા પડાવતા હતા. પોલીસે તેઓ પાસેથી કોમ્પ્યુટર અને મેજીક જેક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
સોલા પોલીસને બાતમી મળી હતી કે બાગબાન પાર્ટી પ્લોટ નજીક અર્થ એસન્સ નામની બિલ્ડિંગમાં કોલ સેન્ટર ચાલે છે. જેના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે 22 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ કેનેડાના ઈન્ક્મટેક્ષના અધિકારી બનીને ત્યાંના નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા.10થી વધુ લેપટોપ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.