અમદાવાદ: VS હોસ્પિટલના ભાગલા પાડવાને લઈ ટ્રસ્ટીઓની હાઇકોર્ટમાં પિટિશન
નવી વી.એસ. હોસ્પિટલનો વિવાદ હાઇકોર્ટમાં ગયો છે. જૂની વીએસને શરૂઆતમાં 120 બેડ અને ત્યારબાદ 500 બેડ સાથે અલગ કરીને ટ્રસ્ટીઓને મેનેજમેન્ટમાંથી બાકાત કરાતા હાઇકોર્ટમાં રિટ કરાઇ છે. જસ્ટિસ વી.એમ.પંચોલીએ ચેરિટી કમિશનર, વીએસના ચેરમેન સહિતનાને નોટિસ કાઢી છે. નવી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ લોકાર્પણ કરવાના છે.
આ વિવાદમાં ચેરિટી કમિશનર દ્વારા સ્પષ્ટ અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આદેશ નહીં કરી તમામ પક્ષકારોને સાથે બેસી સમાધાન કરી લેવાનો બિનઅસરકારક આદેશ કર્યો હતો. ચેરિટી કમિશનરનો આ આદેશ ગેરકાયદે જાહેર કરવાની માગણી સાથે વી.એસ. અને ચિનાઇ પ્રસૃતિ ગૃહના દાતા- ટ્રસ્ટીઓ બ્રિજેશ ચિનાઇ અને રૂપાબેન ચિનાઇએ એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી.
જેમાં એવી રજૂઆત કરાઇ છે કે, 2012માં અરજદારોને મલ્ટિ સ્પેશિયાલીટી હોસ્પિટલના ભૂમિ પુજન માટેનું આમંત્રણ મળ્યું હતું. જ્યાં વીએસ હોસ્પિટલ અને ચિનાઇ પ્રસૃતિ ગૃહના સ્થળે પાર્કિગ બનાવીને નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્રસ્તાવ હતો.