નહીં ગાઇ શકે કિંજલ દવે ચાર બંગડી વાળુ ગીત, કારણ જાણી ચોંકી જશો
‘ચાર બંગડીવાળી ગાડી’ આ ગીત લગભગ દરેક ગુજરાતીએ સાંભળ્યું જ હશે અને આ જ ગીતથી પ્રસિદ્ધ થનાર ગુજરાતી ગાયિકા કિંજલ દવેને કોર્ટે આગામી સુનાવણી સુધી આ ગીત કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં ન ગાવા માટે આદેશ કર્યો છે. અમદાવાદની કોમર્શિયલ કોર્ટે આ વચગાળાનો આદેશ કર્યો છે જોકે કોર્ટના આ ઓર્ડર પાછળ પણ એક કારણ છે. કોર્ટે આ ગીતને ઈન્ટરનેટ પરથી પણ હટાવી લેવા અને કોઈને ન વેચવા અંગે પણ આદેશ કર્યો છે.
ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણિતા એક ગુજરાતી યુવકે કોપીરાઈટ અંગે દાવો કરતાં કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું અને ગાયું છે અને કિંજલ દવેએ તે ગીતની નકલ કરી છે. અરજદાર કંપનીએ કોપીરાઈટ એક્ટ સંદર્ભે સજૂઆત કરી કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટ્યૂબ પર વર્ષ 2016માં મુક્યો હતો અને તેના એક મહિના પછી ગીતમાં સામાન્ય ફેરફારો કરી કિંજલ દવેએ આ ગીત ગાયું હતું અને ઓક્ટોબર 2016માં તેનો વીડિયો યુટ્યૂબ પર મુકવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે નકલ કરવામાં આવેલું આ ગીત તે પછી બધે ફેમસ થયું અને ગાયિકાને પણ તેના કારણે ઘણી ચાહના અને અન્ય લાભો મળ્યા હતા, પરંતુ ગીત ખરેખરમાં તો તેની પોતાની રચના છે તો તેની સામે તેને આ ચાહના કે લાભો મળ્યા નથી.
જેને પગલે વિવિધ માધ્યમો અને બજારમાંથી કિંજલે ગાયેલા ગીતને હટાવી લેવાની નોટિસ પણ તેને આપવામાં આવી હતી. જેને ધ્યાને લઈ કિંજલને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઈન્ટરનેટ માધ્યમો પરથી હટાવી લઈ તેના વેચાણ અને કોમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.