અમદાવાદ: પ્રવાસથી પાછા ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો, 1નું મોત, 20 ઇજાગ્રસ્ત
અમદાવાદની નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસમાં જઇને પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે જ આજે વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કંડકટરનું મોત નીપજ્યું છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માત પંચમહાલમાં આવેલા ગોધરાના પરવડી પાસે થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બસની વળાંક પર સ્પીડમાં હશે તેને લીધે ટર્ન લેતા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેમની બસ રસ્તાની નીચે ઉતરી ગઇ હતી. બસમાં મુસાફરોને બેસાડવાની કેપિસિટી કરતા વધારે લોકો બેસાડવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ ડાંગ જિલ્લામાં સુરતના અમરોલી વિસ્તારના ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ ભરેલી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા 10 લોકોના મોત થયા હતા.