અમદાવાદની હોસ્પિટલમાં ભીષણ આગ:રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ, 106 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. જેને લઇને ફાયર વિભાગની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આગના કારણે 100થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ ધૂમાડો વધુ હોવાથી ફાયર વિભાગ બેઝમેન્ટમાં ઓક્સિજન માસ્ક સાથે પણ 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી.
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા અંદર ગયા હતા પરંતુ આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી લાંબો સમય અંદર રહી શક્યા નહીં. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. જોકે, હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એક્ઝોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે.
ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન સાથે બેઝમેન્ટમાં જઈ અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં ધુમાડો એટલે બધો છે કે, ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન માસ્ક સાથે પણ 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા પણ હોસ્પિટલની બહાર ઉમટ્યા હતા. પોલીસે તેઓને બહાર ખસેડવામાં આવ્યા હતા.