અમદાવાદ: મહિલા પોલીસકર્મીના પતિએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીના ત્રાસથી પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. મહિલા પોલીસકર્મીના પતિએ સ્યુસાઈડ નોટમાં તેની પત્ની, સસરા, ભરૂચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ રિદ્ધિબેન, રાણીપ પોલીસ સ્ટેશનના આરતીબેન અને જામનગર એસઆરપીમાં ફરજ બજાવતાં સૂરજકુમાર નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઝાંઝરવા ગામના રહેવાસી કલ્પેશ પરમારના લગ્ન પાયલ નામની યુવતી સાથે થયાં હતાં. તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે નોકરી કરતા હોવાથી તેમને જેલ ક્વાટર્સ ફાળવવામાં આવ્યું હતું. કલ્પેશભાઈ અને તેમની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેનાથી કંટાળી 4 જાન્યુઆરીએ જેલ સ્ટાફ ક્વાટર્સના ખુલ્લા મેદાનમાં જ કલ્પેશે ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું.
કલ્પેશના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પત્ની પારૂલ, સસરા મંગળદાસ, ભરૂચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ રિદ્ધિબેન, રાણીપ પોલીસ સ્ટેશનના આરતીબેન અને જામનગર એસઆરપીમાં ફરજ બજાવતાં સૂરજકુમાર, શશીકાંતના નામનો ઉલ્લેખ કર્યો હતો. પીએસઆઈ રિદ્ધિબેન અને આરતીબેન ઘરસંસાર ચાલવા દેતાં ન હતાં. પારૂલબેનને ચઢામણી કરી પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવતા હતા. કલ્પેશને પારૂલ સાથે રહેવા દેતા ન હતા અને ઘરની બહાર કાઢી મુક્યો હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો.