
દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં ઠેરઠેર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા કચરા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં પડતાં આગ લાગી હતી. ઘોડાસર, વાસણા, બોપલ, નવરંગપુરા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આગના બનાવો નોંધાયા હતા. કેટલીક જગ્યાએ મકાનો અને ભંગારની દુકાનમાં પણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમને રાત્રે 10 વાગ્યા સુધીમાં 26 કોલ મળ્યા હતા. જોકે, તમામ બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા શહેરમાં ફાયર ટીમોને એલર્ટ પર રાખવામાં આવી હતી. રાત્રે લોકો ફટાકડા ફોડવા લાગ્યા ત્યારે અલગ-અલગ વિસ્તારોમાંથી આગ લાગવાના કોલ આવવા લાગ્યા હતા.રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 26 સ્થળોએ આગ લાગ્યાના કોલ ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમને મળ્યા હતા. કોલ મળતાં જ નજીકના ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઈટરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ટીમોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં અનેક સ્થળોએ આગ લાગી હતી. ઘોડાસરમાં નિગમ બસ સ્ટેન્ડ પાસે આવેલી નીલગીરી સોસાયટીમાં ભંગારની દુકાનમાં આગ લાગી હતી. વાસણાના નારાયણ નગરમાં ચંદ્ર મૌલી હોલ પાસે પણ આગની ઘટના બની હતી.બોપલના રાધેશ્યામ રો હાઉસમાં આગ લાગી હતી. નવરંગપુરામાં લોયલા સ્કૂલના ગ્રાઉન્ડમાં કચરામાં આગ લાગી હતી. નિકોલમાં અમર જવાન સર્કલ પાસે આવેલા ધ ગ્રાન્ડ સેરેનિટી બિલ્ડિંગના 8મા અને 10મા માળે આવેલા મકાનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા.
આગ લાગવાના મોટાભાગના બનાવોમાં ફટાકડાના તણખા કારણ બન્યા હતા. ફટાકડા ફોડતી વખતે તેના તણખા નજીકના સુકા ઘાસ, કચરાના ઢગલા અને ખુલ્લા પ્લોટમાં પડતાં આગ લાગી હતી. કેટલીક જગ્યાએ બંધ મકાનોની ગેલેરીમાં પણ આગ ભભૂકી ઊઠી હતી.દિવાળીની રાત્રે ફોડવામાં આવતા રોકેટ અને હવાઈ ફટાકડાના તણખા આસપાસના મકાનોની અગાશી અને ગેલેરીમાં પડવાની શક્યતા રહે છે. ત્યાં પડેલા કાગળ, પૂંઠાં, કપડાં અને અન્ય સામાન ઝડપથી આગ પકડી લે છે. આવી સ્થિતિમાં નાની આગ પણ થોડા સમયમાં મોટું સ્વરૂપ લઈ શકે છે.
ફાયરબ્રિગેડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે અનેક જગ્યાએ અગાશી અને ગેલેરીમાં નકામો સામાન રાખવામાં આવ્યો હતો. તેમાં ભંગાર, કાગળનાં પૂંઠાં, ગાદલાં અને ગોદડાં જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.ફટાકડાના તણખા આવા સામાન પર પડતાં આગ ઝડપથી ફેલાઈ શકે છે. ખાસ કરીને બંધ મકાનોની ગેલેરીમાં પડેલો સામાન આગ માટે જોખમ ઊભું કરે છે. દિવાળીના તહેવાર દરમિયાન અગાશી અને બાલ્કનીમાં નકામો સામાન રાખવાનું ટાળવું જરૂરી છે.
