અમદાવામાં તોફાની તત્વોનો આતંક, અજાણ્યા શખ્સોએ યુવકની કરી ઘાતકી હત્યા
શહેરમાં દિવસે ને દિવસે હત્યા, ચોરી, લૂંટ જેવાના બનાવો વધી રહ્યા છે બે દિવસ પહેલા બહેરામપુરામાં સામાન્ય તકરારમાં થયેલી હત્યાનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યારે આજે દાણીલીમડામાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કુદરતી હાજતે ગયેલા યુવકને અજાણ્યા શખ્સોએ લૂંટી લીધા બાદ મોતને ઘાટ ઉતાર્યો હતો. દાણીલીમડા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.
બારેજામાં રહેતો 40 વર્ષિય મહેન્દ્ર ઉર્ફે મનોજ પરમાર દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરે છે. આજે સવારે મહેન્દ્ર 9 વાગે ફેકટરી પર રાબેદા મુજબ આવી ગયો હતો. મહેન્દ્રને સવારે દસ વાગ્યાની આસપાસ તેના ફેક્ટરીની બાજુમાં આવેલ બંધ ફેક્ટરીની અવાવરુ જગ્યા પર કુદરતી હાજત કરવામાં ગયો હતો.
આ બંધ ફેક્ટરીમાં પહેલાથી કેટલાક તોફાની તત્વો અડ્ડો જમાવીને બેઠા હતા. મહેન્દ્ર જેવો ફેક્ટરીની જગ્યા પર ગયો ત્યારે તોફાની તત્વોએ તેના પર હુમલો કરી દીધો હતો અને તેની પાસે રહેલ મોબાઇલ ફોન અને રોક્ડ રકમ લૂંટીને ચપ્પાનો ઘા મારીને ફરાર થઇ ગયા હતા. લોહીથી લથપથ થયેલો મહેન્દ્ર ફેક્ટરીની બહાર આવ્યો હતો અને એકાએક જમીન પર ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યા તેનું મોત થયુ હતું. દાણીલીમડા પોલીસને સમગ્ર હકીકતની જાણ થતા તેઓ તાત્કાલી ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.