અમદાવાદ: બોપલમાં BRTSની અડફેટે બાઇકચાલક, 2ના મોત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે તો બીઆરટીએસ ટ્રેક પર વાહનો ચલાવવાના કારણે અનેક વખત અકસ્મતાના બનાવો પણ બને છે. આજે સાવારે બીઆરટીએસ બસે બાઇક પર પસાર થતા બે યુવકોને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર બાઇક પર બેઠેલા બે યુવકો પૈકી એક યુવકનું મોત થયુ છે જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુરઝડપે પસાર થતી બીઆરટીએસ બસના ડ્રાઇવરે બાઇક ચાલકને હડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો.
બીઆરટીએસ બસ અને વાહનો વચ્ચેના અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ગઇકાલે પલ્લવનગર સર્કલ પર બીઆરટીએસની હડફેટમાં કાર અને એકટીવા ચાલક આવ્યા હતા જેમાં એકટીવા ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતું.
આ ઘટનાને હજું 48 કલાક પુરા નથી થયા ત્યારે આજે સવારે બોપલમાં બીઆરટીએસ બસનો અકસ્માત બન્યો છે. બીઆરટીએસ ટ્રેક પર બાઇક લઇને પસાર થતા 20 વર્ષીય કલ્પેશ આંબલીયાર અને વિપુલ ભાભોરને બસે ટક્કર મારી હતી જેમાં વિપુલનું ઘટના સ્થળે મોત થયુ હતું.
જ્યારે કલ્પેશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ ઘટનાથી બોપલમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. ઘટનાની જાણ બોપલ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.