અમદાવાદ: જયંતી ભાનુશાળીની અંતિમવિધિ, નલીયાવાસીઓનો બંધ પાળી શોક
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી ગઈકાલે હત્યા કરાઈ હતી. આજે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અબડાસા બેઠકપરના નલીયામાં વેપારીઓએ દુકાન બંધ રાખીને શોક વ્યક્તિ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એફએસએલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહને નરોડા સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો. ત્યારબાદ ત્યાંથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેમાં સામેલ થયેલી તેમની દીકરી ભારે આક્રંદ બાદ બેભાન થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે મળનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં હત્યાની ચર્ચા થશે.સિવિલ હોસ્પિટલથી ભાનુશાળીના મૃતદેહને તેમના નિવાસે લઈ જવાતા ભાજપમાંથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર સી ફળદુ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મેયર બીજલ પટેલ સહિતના નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. તેમાં કચ્છના કદાવર નેતાની હત્યા તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ટીકાનો જે મારો ચલાવાઈ રહ્યો છે તેની ચર્ચા થશે.