
આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરના તમામ કોંગ્રેસના નેતાઓ અમદાવાદ આવી રહ્યા છે. 7 એપ્રિલના રોજ સવારથી નેતાઓ અમદાવાદ આવશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા નેતાઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ હેલ્પ ડેસ્ક બનાવશે. અમદાવાદના અલગ-અલગ રેલવે સ્ટેશન પર મળી કુલ 6, ગાંધીનગરમાં 1 અને એરપોર્ટ ઉપર 3 એમ કુલ 10 હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત ડેલીગેટ સાથે NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદેદારો વોલિયંટર હાજર રહેશે. હોટેલથી કાર્યક્રમ સ્થળ સુધી, કાર્યક્રમ સ્થળથી હોટલ સુધી આ કાર્યકરો સતત હાજર રહેશે.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના નેતાઓ આવવાના છે. ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી તેઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નેતાઓના આગમનની અગાઉથી જ જાણ ગુજરાત કોંગ્રેસને હોવાથી તેઓને એરપોર્ટ અથવા રેલવે સ્ટેશનથી હોટલ ખાતે લઈ જવા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે.
યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને હેલ્પ ડેસ્ક પર મૂકવામાં આવશે. દરેક નેતાઓને અલગ અલગ હોટલ સુધી લાવવા લઈ જવા ગાડીઓ મૂકવામાં આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસનો એક-એક કાર્યકર સાથે રહેશે. 7 એપ્રિલથી 10 એપ્રિલ બપોર સુધી નેતાઓને લાવવા લઈ જવાની આ તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.
દેશભરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે આવવાના છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ નેતાઓના રહેવા માટે હોટલ અને તેઓને અધિવેશન સ્થળ તેમજ હોટલ પર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 7 એપ્રિલના રોજ સાંજથી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી નેતાઓ ફ્લાઈટ અથવા તો ટ્રેનમાં આવવાના છે. ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કોંગ્રેસ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા તમામ નેતાઓનો સંપર્ક કરી કયા સમયે ફ્લાઇટ અથવા ટ્રેનમાં આવવાના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
નેતાઓની ફ્લાઈટ અને ટ્રેનના સમયના લિસ્ટ મુજબ જે પણ હોટલમાં તેઓને મુકવા જવા માટે ત્યાં ગાડીઓ પણ તૈયાર રાખવામાં આવશે. નેતાઓને એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી સીધા હોટલ પર ગાડી દ્વારા લઈ જવામાં આવશે. દરેક નેતાઓને તેમના માટેની ગાડી ફાળવી દેવામાં આવશે. નેતાઓ અને કાર્યકર્તાઓ અધિવેશન સ્થળ પર લઈ જવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિવેશન સ્થળ રિવરફ્રન્ટ પર નેતાઓ અને ડેલિગેશનને લાવવા લઈ જવા માટે અલગથી 4 વોલ્વો બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડેલીગેટ માટે અમદાવાદની 35 હોટલમાં 1700થી વધુ રૂમ બુક કરાવવામાં આવ્યા છે. તમામ હોટલ પર NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે. આ હોદેદારો ડેલીગેટની સાથે રહેશે. ડેલીગેટ જ્યાં જશે, ત્યાં તેમની સાથે રહેશે અને તેમને ગાઈડ કરશે. હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાઓ પર પણ હોદેદારો ડેલીગેટ સાથે જશે.
યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અધિવેશન માટે 18 કમિટી બનાવવામાં આવી છે તે તમામ કમિટીમાં NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો છે. આ ઉપરાંત 500 હોદેદારો વોલેન્ટયર તરીકે 35 હોટલ પર હાજર રહેશે, જે બહારથી આવતા ડેલીગેટ સાથે સતત સંપર્કમાં રહેશે. એટલું જ નહીં તમામ કાર્યક્રમના સ્થળે પણ વોલેન્ટયર પાર્કિંગથી લઈ કાર્યક્રમ સુધી હાજર રહેશે.
આ પણ વાંચો, Gandhinagar: યુવરાજસિંહે HNGU યુનિવર્સિટીનો ભાંડો ફોડ્યો, કોલેજમાં વોટ્સએપથી પેપર લીકનો આક્ષેપ
