અમદાવાદ: કરોડો રૂપિયાના ખર્ચે નવું ફાયર સ્ટેશન તેમજ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે
અમદાવાજના દાણાપીઠ ખાતે આવેલા ફાયર બ્રિગેડના મુખ્યાલયને તોડીને ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે નવું ફાયર સ્ટેશન તેમજ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે. આ માટેના ટેન્ડર પણ નીકળી ચૂકયા હોઇ તંત્ર દ્વારા મુખ્યાલયમાં વર્ષો પહેલાં ભાડે આપેલી ૧૭ દુકાનને સાત દિવસમાં ખાલી કરવાની નોટિસ ફટકારાઇ છે.
AMC દ્વારા આશરે રૂ.૩૩ કરોડના ખર્ચે હયાત દાણાપીઠ ખાતેના ફાયર બ્રિગેડ મુખ્યાલયને તોડીને ત્યાં એક બેઝમેન્ટ વત્તા સાત માળનું મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ તેમજ નવું ફાયર સ્ટેશન બનાવવાનો પ્રોજેકટ હાથ પર લેવાયો છે. આ માટેના ટેન્ડર નીકળી ચૂકયા હોઇ તંત્રના અન્ય વિભાગ પણ હરકતમાં આવ્યા છે.મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મુખ્યાલ બિલ્ડિંગમાં આવેલી રોડ પરની ૧૭ દુકાનોને સાત દિવસમાં ખાલી કરવાની નોટિસ ફટકારાઇ છે. આ તમામ દુકાનો વર્ષો પહેલાં તંત્ર દ્વારા ભાડેથી અપાયેલી હતી તેમજ સમગ્ર બિલ્ડિંગને અગાઉ ભયજનક બિલ્ડિંગ જાહેર કરાયું હોઇ આ દુકાનદારોને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની તંત્રની જવાબદારી બનતી નથી તેમ મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇ કહે છે.
દરમિયાન હાઉસિંગ પ્રોજેકટ દ્વારા મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ અને નવા ફાયર સ્ટેશનનો પ્રોજેકટ હાથ પર લેવાઇને તે બે વર્ષમાં પૂર્ણ થવાનો હોઇ ફાયર બ્રિગેડના મુખ્યાલયમાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ઓફિસ આગામી તા.૧૪ જાન્યુઆરી બાદ જમાલપુર ફાયર સ્ટેશનમાં લઇ જવાશે. એડિશનલ ચીફ ફાયર ઓફિસર મેમનગર બેસશે.જ્યારે સી બ્લોકમાં રહેતા ૧૧ પરિવાર તેમજ બી બ્લોકના ત્રણ પરિવારને ગોમતીપુર ફાયર સ્ટેશનમાં ક્વાર્ટર ફાળવાશે. વર્કશોપને શાહપુર ફાયર સ્ટેશન સ્થળાંતરિત કરાશે તો ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને મ્યુનિસિપલ મુખ્યાલયના કોઇ પણ એક બ્લોકના ભોંયતળિયામાં જગ્યા ફાળવાશે. જોકે ર૪ કલાક ધમધમતા ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને યોગ્ય જગ્યા ફાળવવાની બાબતે હજુ સુધી મધ્ય ઝોનના સત્તાવાળાઓએ સક્રિયતા દાખવી ન હોઇ આ બાબત વિવાદાસ્પદ બની છે