અમદાવાદ: રાજ્યમાં 3 દિવસ કોલ્ડ વેવ, ડિસેમ્બરમાં 3 વર્ષની સૌથી વધારે 9.3 ડિગ્રી ઠંડી
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જેને પગલે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચુ નોંધાયું હતું. જ્યારે બુધવારે અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ગગડીને 26.6 અને લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 9.0 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થશે.
કોલ્ડવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાંં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં 7.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે અન્ય શહેરોનું લઘુતમ તાપમાન 11થી 15 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. આગામી ત્રણ દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી સૌરાષ્ટ્ર-કચ્છ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.