વડોદરા: 11 વર્ષના રાજદીપનું કરંટ લાગતા નીપજ્યું મોત
રાજ્યમાં અવાર નવાર અનેક ઘટનાઓ ઘટતી રહે છે. જ્યારે વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના હરિદર્શન ફ્લેટના ધાબા પરથી 20થી 25 ફૂટ દૂર પસાર થતી 132 કેવીની હાઈટેન્શન લાઈનને કારણે શનિવારે દાઝી ગયેલા 11 વર્ષના બાળકનું સોમવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાળકો શનિવારે સાંજે ધાબે રમી રહ્યા હતા ત્યારે 11 વર્ષનો રાજદીપ રાઠોડ ધાબાના ખૂણે લગાવેલી ડીશને અડતાં તેને કરંટ લાગ્યો હતો અને તે સળગી ગયો હતો. રાજદીપ કરંટના ઝાટકાથી 5 ફૂટ ઊંચે ફંગોળાઈ ધાબા પર પડતાં આરસીસીમાં 3 વેઢા જેટલું ગાબડું પણ પડી ગયું હતું.
કરંટને લીધે 24 ફ્લેટમાંથી અડધા અડધ ફ્લેટની વીજળી ગુલ થઈ ગઈ હતી. 4 માળના ફ્લેટમાં છેક નીચે સુધી લોકોના ઘરમાં છતમાં ગાબડાં પડી ગયા હતા અને સ્વિચ બોર્ડ પણ બળી ગયા હતા. કેટલાક ઘરોમાં તો ફ્રિજ પણ ખરાબ થઈ ગયા હતા. સ્થાનિકોના કહેવા મુજબ હાઈટેન્શન લાઈન હોવાથી ધડાકો એટલો મોટો થયો હતો કે, 2 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો.
આ ઘટના બની ત્યારે ધાબા પર હાજર પાડોશીએ જણાવ્યું કે, હું અને રાજદીપની મમ્મી કંચનબહેન ધાબા પર શાક સમારી રહ્યાં હતાં. મારી નાની દીકરી, રાજદીપ ને ચાર-પાંચ બાળકો ધાબા પર હતા. એવામાં અચાનક જ ધડાકો થયો અને રાજદીપ હવામાં ઉછળી સળગતો જમીન પર પટકાયો. અમે ચાદરથી આગ બુઝાવવા ગયા જેમાં રાજદીપની મમ્મી અને હું પણ દાઝી. અહીં પસાર થતાં વાયરોમાં એટલો પાવર છે કે ઉમિયા માતાના રથ વખતે શણગાર કરતા લગાવેલી સિરીઝ પ્લગ વગર ચાલુ થઈ હતી.