અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું, પારો 10 ડિગ્રીથી ગગડ્યો
ગુજરાતમાં ફૂંકાતા ઠંડા પવનના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેમાં પણ હાલમાં પ્રવર્તતા કોલ્ડવેવના કારણે ગાંધીનગર સહિત છ શહેરમાં ઠંડીનો પારો દશ ડિગ્રીથી નીચે ગગડતા સમગ્ર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.
શહેરમાં પણ વહેલી સવારથી મધ્યમ ગતિના શીતાગાર પવનના જોરથી લોકો ધ્રુજી રહ્યા છે. ગઈ કાલે તો ૧૦.૮ ડિગ્રી ઠંડી પડતા શહેરનો ચાલુ શિયાળાની સિઝનનો સૌથી વધુ ઠંડાગાર દિવસ બન્યો હતો, પરંતુ આજે ઠંડીની આ તીવ્રતામાં મામૂલી ઘટાડો થઈને ૧૧.૨ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
જોકે રાજ્યના પાટનગર ગાંધીનગર સહિતના કુલ છ શહેરોમાં કાતિલ છંડીના સપાટાથી લોકોએ કામધંધો સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું.
આજે ગાંધીનગરમાં ૭.૨ ડિગ્રી, અમરેલીમાં ૮.૫, ડિસામાં ૮.૫, ન્યુ કંડલામાં ૯.૪ અને કંડલામાં ૬.૮ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં ઠંડીનો વારો વધુ નીચે ગગડીને ૫.૮ ડિગ્રીએ જઈને અટકતા નલિયામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા રાજ્યના બનાસકાંઠા, પાટણ, બોટેલી, રાજકોટ અને કચ્છ જિલ્લાને હજુ ૨૪ કલાક કોલ્ડવેવ ધ્રુજાવશે તેવી આગાહી કરાઈ છે.