અગસ્ટા વેસ્ટલેન્ડ: ભારત લાવવામાં આવેલ રાજીવ સક્સેના અને દીપક તલવારના ઇડીએ શરૂ કરી પૂછપરછ
અગસ્ટા વેસ્ટલેન્ડ કોભાંડ કેસમાં મોદી સરકારને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રિશ્ચિયન મિશેલ બાદ આ કેસના વધુ બે દલાલ રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવીને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારતીય એજન્સીઓએ દુબઈના એકાઉન્ટન્ટ રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં અંતે સફળતા મળી છે.
ગઈ કાલે સાંજે બંને આરોપીઓને દિલ્હી લાવવામાં આવ્યા હતા. દુબઈના અધિકારીઓએ બુધવારે સવારે તેમની ધરપકડ કરી હતી. હાલ બંને આરોપીઓ રાજીવ સક્સેના અને દીપક તલવારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓના અધિકારીઓએ બંને આરોપીઓની વહેલી સવારના ચાર વાગ્યાથી જ સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે અને તેમને તોડવાના તમામ પ્રયત્નો જારી છે. ઈડીની સાથે સીબીઆઈ પણ તેમની પૂછપરછમાં જોડાઈ છે.
સહ આરોપી રાજીવ સક્સેના અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં વારંવાર સમન્સ જારી થવા છતાં પણ પૂછપરછ માટે હાજર થતો ન હતો. ગયા વર્ષે ૬ ઓક્ટોબરે કોર્ટે રાજીવ સક્સેના સામે બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું. રાજીવ સક્સેનાનું નામ એ ચાર્જશીટમાં છે, જે તેની પત્ની શિવાની સામે દાખલ કરવામાં આવી છે. હાલ શિવાની જામીન ઉપર બહાર છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યુએઈ સરકારે ૩૬૦૦ કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના કથિત દલાલ (વચેટિયા) અને આ કેસના સહ આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. હાલ મિશેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેની આકરી પૂછપરછ થઈ રહી છે.
રાજીવ સક્સેના ઉપરાંત મની લોન્ડરિંગના આરોપી દીપક તલવારને પણ ભારત લાવવામાં આવ્યો છે. ઈડીએ ડિસેમ્બર મહિનામાં દુબઈના બિઝનેસમેન રાજીવ સક્સેનાની જામીન અરજીના જવાબમાં કોર્ટમાં તેને ભારત લાવવાની અપીલ અંગે જાણ કરી હતી. બંને આરોપીઓના વકીવોનું કહેવું છે કે તેમના અસીલોને ગેરકાયદે પકડવામાં આવ્યા છે. રાજીવ સક્સેના અને તેની પત્ની શિવાની બંને અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં આરોપી છે. બંને દુબઈની કંપની યુએચવાય સક્સેના એન્ડ મેટ્રિક્સ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર છે.