
દુનિયાભરમાં 2019માં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો, અને આજે પણ લોકો આ વાયરસથી ખૂબ જ ડરે છે. ત્યારે ફરી એક નવી મહામારીએ ભારતના મોટા શહેરમાં દસ્તક દીધી છે, જેના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના નવા પ્રકોપે સમગ્ર દેશમાં ચિંતા ઉભી કરી છે. ભારતના ત્રીજા સૌથી મોટા શહેર કોલકાતા નજીકના બારાસત વિસ્તારમાં આ ખતરનાક વાયરસ ફરી સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ નવા કેસની પુષ્ટિ કરી છે, જેનાથી કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા પાંચ થઈ ગઈ છે. આ બધા કેસોમાં નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના આરોગ્યસંભાળ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, નિપાહ વાયરસ માટે કોઈ રસી નથી, અને કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી.
નિપાહ વાયરસ ફેલાતા લોકો ચિંતામાં
નિપાહ વાયરસથી મૃત્યુદર 50થી 70 ટકા સુધી પહોંચી શકે છે, જે તેને વિશ્વના સૌથી ખતરનાક વાયરસમાંથી એક બનાવે છે. આ ઘટના ડિસેમ્બર 2025ના અંતમાં શરૂ થઈ હતી, જ્યારે ફેફસાની ગંભીર સમસ્યાઓ સાથે હોસ્પિટલમાં દાખલ એક દર્દીને ચેપ લાગ્યો હતો. દર્દીની સારવાર કરતી એક મહિલા નર્સમાં તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને મગજમાં સોજો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તેની સ્થિતિ વધુ બગડી હતી અને તે હવે કોમામાં છે. ત્યારબાદ એક પુરુષ નર્સ અને તેના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફ સભ્યોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અહેવાલો અનુસાર, ત્રણ નવા કેસોમાં એક ડૉક્ટર, એક નર્સ અને એક આરોગ્ય કર્મચારીનો સમાવેશ થાય છે. નારાયણા હોસ્પિટલના સ્ટાફમાં ચેપ ફેલાવાને કારણે, હોસ્પિટલને ઉચ્ચ જોખમી ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.
