સચિન સહિત કાંબલી પણ આચરેકરના અંતિમ સંસ્કારમાં રહ્યા હાજર, ક્રિકેટર્સે બેટથી આપી સલામી
બુધવારે મુંબઈમાં આચરેકરનું નિધન થયું તેઓ 87 વર્ષના હતા.ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા. જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર ઉપસ્થિત રહ્યાં હતા. આચરેકરની અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટર્સે તેઓને બેટથી સલામી આપી.
સચિને શરૂઆતી દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યું. પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ તેમની પાસે ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. આચરેકરે અજિત અરગરકર, ચંદ્રકાંત પંડિત અને પ્રવીણ આમરે સહિત અનેક દિગ્ગજ ક્રિકેટર્સને પણ કોચિંગ આપ્યું હતું. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. વડાપ્રધાન મોદીએ આચરેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. PMOના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર તેઓએ લખ્યું, “આ ખેલ જગત માટે ઘણી જ મોટી ક્ષતિ છે.”
આચરેકરના નિધન વિશે સચિને કહ્યું કે, સ્વર્ગમાં પણ ક્રિકેટ હોત તો આચરેકર ત્યાં પણ તેને સમૃદ્ધ કરી દેતા. તેમના અન્ય વિદ્યાર્થીઓની જેમ ક્રિકેટની એબીસીડી તેમની પાસેથી જ શીખી છે. મારા જીવનમાં તેમનું યોગદાન હું શબ્દોમાં ન વર્ણવી શકું. આજે હું જ્યાં હું ઉભો છું તેનો આધાર તેમણે બનાવ્યો છે.