
ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને સોમવારે પેટમાં ચેપ લાગવાને કારણે દિલ્હીની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિષેકની તબિયત અચાનક બગડતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક ટેસ્ટમાં પેટમાં ચેપ હોવાનું પુષ્ટી થઈ હતી. ત્યારબાદ તબીબી ટીમે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાનો નિર્ણય લીધો હતો. તે સોમવાર રાત સુધી હોસ્પિટલમાં રહ્યો હતો અને તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. હાલમાં તેના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.
ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંને તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે અને આગામી મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. અભિષેકના સ્વસ્થ થવા અને ડિસ્ચાર્જ અંગે અંતિમ નિર્ણય ડોકટરો સાથે પરામર્શ કર્યા પછી જ લેવામાં આવશે.
ભારત 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા સામે પોતાની લીગ મેચ રમશે. મુંબઈમાં અમેરિકા સામે રમનાર અભિષેક પેટ સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યો છે અને મંગળવારના રોજ ટ્રેનિંગ સેશનમાં ભાગ લઈ શક્યો નહોતો. ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે પણ આ વિશે વાત કરી હતી. રાયનએ કહ્યું હતું કે, “અભિષેકને હજુ પણ પેટની કેટલીક સમસ્યાઓ છે. અમને આશા છે કે તે મેચ માટે ઉપલબ્ધ રહેશે.”
મંગળવાર સાંજે ફ્લડલાઇટ્સ હેઠળ પ્રેક્ટિસ સત્રમાં ઇશાન કિશન પહેલા બેટિંગ કરવા ઉતર્યો હતો જ્યારે સંજુ સેમસન તેની સાથે પેસ બોલિંગ નેટમાં જોડાયો હતો. બંનેએ હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અર્શદીપ સિંહનો સામનો કર્યો. બીજી નેટમાં તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે સાથે બેટિંગ કરી, જે ભારતના સંભવિત ટોપ-4 કોમ્બિનેશનનો સંકેત આપે છે. છેલ્લા કેટલાક અઠવાડિયા સંજુ સેમસન માટે રોલર કોસ્ટર રાઈડ રહ્યા છે. તેણે મુંબઈમાં પ્રથમ વર્લ્ડ કપ મેચમાં પોતાનું ઓપનિંગ સ્થાન ગુમાવ્યું હતું. ખરાબ ફોર્મ અને ઇશાન કિશનના પ્રભાવશાળી ફોર્મને કારણે તેને હાલમાં બેન્ચ પર બેસવાની ફરજ પડી છે.
ટેન ડોશેટે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે સંજુને સંપૂર્ણ ટેકો આપ્યો હતો પરંતુ જ્યારે ઇશાન જેવા ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં આટલું સારું પ્રદર્શન કરે છે, ત્યારે પ્રથમ મેચ માટે તેની પસંદગી સ્પષ્ટ થઈ જાય છે. જોકે, સેમસને નેટમાં લગભગ 30 મિનિટ બેટિંગ કરી હતી. દરમિયાન, જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે થોડી રાહત મળી હતી. ટેન ડોશેટે મંગળવારે કહ્યું હતું કે, “બુમરાહ 10 દિવસથી બોલિંગથી દૂર હતો, પરંતુ હવે તે ઘણો સારો અનુભવ કરી રહ્યો છે.” પ્રેક્ટિસ દરમિયાન બુમરાહે લગભગ 25 મિનિટ સુધી સૂર્યકુમાર અને તિલકને બોલિંગ કરી અને સંપૂર્ણપણે ફિટ દેખાયો હતો.
