Site icon Time News

હેવી મશીન ભરેલી ટ્રક લક્ઝરીની પાછળ અથડાતા બસ આગળ જતા ટેન્કરમાં ઘૂસી ગઈ, 10 લોકો ઘાયલ

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો ત્રિપલ અકસ્માત થયો. આ અકસ્માત એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે સર્જાયો હતો. અકસ્માતમાં 10 જેટલા મુસાફરો  ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ હાઇવે પેટ્રોલિંગ ની ટીમ , આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ , સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ.

મળતી માહિતી મુજબ લક્ઝરી બસ સુરતથી શ્રદ્ધાળુઓને લઈને અંબાજી જઈ રહી હતી. આ બસ વડોદરાથી અમદાવાદ તરફના રૂટ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી.  ત્યારે અચાનક આણંદ પાસે પાછળથી આવી રહેલી હેવી મશીન ભરેલી ટ્રકના ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ગયો અને ટ્રક બસના પાછળના ભાગે અથડાતા બસ આગળ જઈ રહેલી ટેન્કર સાથે અથડાઈ હતી.

વહેલી સવારે ઘટેલા આ અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસના આગળના અને પાછળના ભાગને નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં બસમાં સવાર 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે સદનસીબે કોઈ  જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતની જાણ થતા જ હાઇવે પેટ્રોલિંગની ટીમ , આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ , સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા મુસાફરોને રેસ્ક્યૂ કર્યા હતા. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળ કાર્યવાહી શરૂ કરી છે.

Exit mobile version