Gujarat

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.

રાહત કમિશનરે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. 

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button