ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વન વીક વન થીમ’ અભિયાન અંતર્ગત CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ) દ્વારા ‘સિવિલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ’ થીમ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ) દ્વારા એક દિવસીય ‘વન વીક વન થીમ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડો. જીતેન્દ્રસિંહ દ્વારા 24 જૂન 2024ના દિવસે ‘વન વીક વન થીમ (OWOT)’ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. જેનો હેતુ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવવાનો છે.
આ અભિયાન સાર્વજનિક કલ્યાણ અને લોકોના જીવન સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયોગશાળાની સીમાથી આગળ વધીને વૈજ્ઞાનિક પ્રગતિને દર્શાવતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે. સિવિલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિરયિંગ (CIE) થીમ CSIRની 8 મુખ્ય થીમ પૈકીની એક છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈઆઈટી-ગાંધીનગરના પ્રોફેસર વિવેક કાપડિયા અને વિશેષ અતિથિ તરીકે એપિક કન્સેશન્સ લિમિટેડ, ચેન્નઈના હેડ ઓફ કોન્ટ્રાક્ટ્સ ડો. એસ્થર માલિની વિક્ટર ઉપસ્થિત રહ્યા હતા. જેમનું CSIR-CRRI, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો. મનોરંજન પરિદા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રો. મનોરંજન પરિદાએ પોતાના સંબોધનમાં OWOT અભિયાનના મહત્વ વિશે તેમજ સિવિલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગમાં CSIRની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રકારની પહેલ કેવી રીતે અત્યાધુનિક શોધ અને સમાજમાં તેના વ્યાવહારિક અનુપ્રયોગો વચ્ચેનો તફાવત દૂર કરવામાં મદદ કરે છે તે અંગે તેમણે જણાવ્યું.
CSIR-SERC, ચેન્નઈના સીનિયર પ્રિન્સિપલ વૈજ્ઞાનિક અને CIE થીમના કો-ઓર્ડિનેટર ડો. અમર પ્રકાશે ‘વન વીક વન થીમ’ અભિયાન વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી. જે. બી. વદરે CSIR અને ગુજરાત સાયન્સસિટી વચ્ચેના સહયોગાત્મક પ્રયાસ અંગે ચર્ચા કરીને CSIRની ઉપલબ્ધિઓ વિશે તેમજ સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લોકોને વધારે જાગૃત કરવાના પ્રયાસ પર પ્રકાશ પાડ્યો. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારને પ્રોત્સાહન મળે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં ગુજરાત સાયન્સ સિટીની ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી.
કાર્યક્રમના વિશેષ અતિથિ ડો. એસ્થર માલિની વિક્ટરે સંબોધન કરતાં શિક્ષણવિદો, શોધ સંસ્થાનો અને ઉદ્યોગપતિઓ વચ્ચે જરૂરી સહયોગ પર ભાર આપ્યો. અને આ ભાગીદારીના માધ્યમથી વિકસિત સફળ તકનીક વિશે તેમણે જણાવ્યું. જે મુખ્ય માળખાકીય પડકારોનું સમાધાન કરવામાં મહત્વપૂર્ણ રહી છે. ડો. વિક્ટરે આગામી પરિયોજનાઓ વિશે પણ માહિતી આપી. જેનો ઉદ્દેશ્ય આ સહયોગને વધુ મજબૂત કરવો અને આ ક્ષેત્રમાં નવીનતા અને તકનીકી ઉન્નતિને પ્રોત્સાહન આપવાનો છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રો. વિવેક કાપડિયાના જ્ઞાનવર્ધક ઉદ્ઘાટન ભાષણ સાથે સત્રનું સમાપન થયું. તેમણે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. ખાસ કરીને સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ (SHM) સિસ્ટમ્સની અતિ આવશ્યકતા વિશે જણાવ્યું. જે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવવા અને સુધારવા માટે મહત્વપૂર્ણ છે.
સ્માર્ટ સિટીની પહેલ સામેના પડકારો અંગે વાત કરીને તેમણે ટેક્નોક્રેટની કુશળતાને ધ્યાનમાં રાખી અધિક સમાવેશી દ્રષ્ટિકોણની હિમાયત કરી. અત્યાધુનિક પ્રયોગશાળઆઓની સ્થાપનાનું તેમણે આહ્વાન કર્યું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કુદરતી પ્રણાલિઓ સાથે એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો, જેમ કે નદી કેચમેન્ટ વિસ્તારો સાથે અનુકૂલનમાં હોય તે રીતે ડ્રેનેજ નેટવર્કની રચના કરવામાં આવી છે કે કેમ તેની ખાતરી કરવી.
આ કાર્યક્રમમાં તકનીકી સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં CSIRની પાંચ મુખ્ય પ્રયોગશાળાઓ CSIR – CBRI, CSIR-CRRI, CSIR-AMPRI, CSIR-CMERI અને CSIR-SERCના વૈજ્ઞાનિકોએ CIE થીમ સંબંધિત પોતાના સંશોધનો અને નવીનતા રજૂ કર્યા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.