
ગિરનારની લીલી પરિક્રમા વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સિંહણે ખેડૂતને ફાડી ખાધો. ઘટના 20 નવેમ્બરે રાત્રે વિસાવદરના રબારીકા ગામમાં બની હતી. જ્યાં ખેતરમાં કામ કરતા 55 વર્ષીય ખેડૂત પર સિંહણે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે 21 નવેમ્બરે દેવઉઠી અગિયારસે વહેલી સવારે લીલી પરિક્રમાનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. જો કે પરિક્રમાના પ્રવેશદ્વાર એવા ઈટવા ગેટને 20 નવેમ્બર વહેલી સવારે છ વાગ્યે જ ભાવિકો માટે ખુલ્લો મૂકી દેવાયો હતો અને ‘જય ગિરનારી’ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પરિક્રમાના રૂટ તરફ પ્રયાણ કર્યું હતું.
ખેતરમાં કામ કરતા ખેડૂત પર હુમલો
રબારીકા ગામના ખેડૂત વેલજીભાઈ નાગજીભાઈ દાફડા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું મોત થયું હતું, જેના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બનાવની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા, જ્યારે વિસ્તારમાં સિંહ અને હિંસક પ્રાણીઓના હુમલાની વધતી જતી ઘટનાઓ ગ્રામજનો તથા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક બની છે.
ખેતરો અને રહેણાંક વિસ્તારો વન્યજીવોની અવરજવર
વિસાવદરનો આ વિસ્તાર ગીરના જંગલ નજીક આવેલો વિસ્તાર છે, જ્યાં અગાઉ પણ વન્યજીવો અને હિંસક પ્રાણીઓના હુમલાઓના અનેક બનાવો સામે આવ્યા છે. ગીરની સરહદ નજીક હોવાથી ખેતરો અને રહેણાંક વિસ્તારો આસપાસ વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે.
