
ભારતીય રેલવેમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે, જ્યારે બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી ભારતીય રેલવેની સામાન્ય યાત્રી ટ્રેન પસાર થશે. ગુજરાતના અમદાવાદ રેલવે સ્ટેશન પર તે માટે ત્રણ નવા પ્લેટફોર્મ અને બ્રોડ ગેજ રેલ લાઈનો તૈયાર થઈ ગઈ છે. રેલવે સુરક્ષા કમિશનર (CRS) એ તેનું નિરીક્ષણ પણ કરી લીધું છે. હવે જરૂરી સુરક્ષા મંજૂરી મળ્યા બાદ આ પ્લેટફોર્મ પરથી ટ્રેનનું સંચાલન શરૂ થઈ શકશે.
હકીકતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. તેની નીચે ભારતીય રેલવેની બીજી યાત્રી ટ્રેનોના સંચાલન માટે પણ રેલ લાઈનો અને પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. તેને રેલવેના આંતરમાળખા વિકાસની એક ખાસ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં આવનાર સમયમાં એક્સપ્રેસ ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ અને લોકલ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. બુલેટ ટ્રેન પરિયોજનાના નિર્માણ કાર્યને કારણે પ્લેટફોર્મ નંબર 10ને જુલાઈ 2022થી બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ત્રણેય પ્લેટફોર્મ માટે નવી રેલ લાઈનો તૈયાર થવાથી અહીં ફરી પેસેન્જર ટ્રેન સંચાલન શરૂ કરવાની દિશાડમાં મોટી પ્રગતિ થઈ છે.અમદાવાદમાં ટ્રેનની અવરજવર સુગમ બનાવવા માટે અસારવા રેલવે સ્ટેશનથી સાબરમતી એ કેબિન વચ્ચે નવી બાયપાસ રેલ લાઈન પણ તૈયાર કરવામાં આવી છે. તેનું પણ CRSએ નિરીક્ષણ કર્યું છે. આ સિવાય અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડિપો વચ્ચે પાંચમી રેલ લાઈન વિકસિત કરવાનું કામ પ રેલ પરિચાલનની ક્ષમતા વધારવાની દિશામાં મહત્વનું છે.
રેલવે અધિકારીઓ પ્રમાણે નવી રેલ લાઈનો અને પ્લેટફોર્મથી ભવિષ્યમાં ટ્રેનોની અવરજવરને સરળ રીતે સંભાળવામાં મદદ મળશે.
સુરક્ષા મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ થશે
અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ મેનેજર વેદ પ્રકાશે તેને ભારતીય રેલવેના અધુનિકીકરણની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે સીઆરએસનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. જરૂરી સુરક્ષા મંજૂરી અને બીજી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આ પ્લેટફોર્મથી યાત્રી ટ્રેનના સંચાલનની સેવા શરૂ કરવામાં આવશે.
આ પરિયોજનાની ખાસ વાત છે કે બુલેટ ટ્રેન જેવી આધુનિક રેલ વ્યવસ્થાની સાથે પરંપરાગત યાત્રી ટ્રેનના સંચાલન માટે પણ એકીકૃત રેલ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી અમદાવાદ સ્ટેશનની ક્ષમતા વધારવા અને યાત્રીકોને સારી રેલ સુવિધાઓ મળવાની આશા છે.
