સેલ્ફી લેવાની ઘેલછામાં યુવતી 2000 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, પણ પછી થયું એવું…
આજકાલ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ એવો લાગ્યો છે કે, તેઓ જીવનાં જોખમે પણ એક સેલ્ફી લેવા માટે તલપાપડ બની જતાં હોય છે. આવો જ એક કિસ્સો નોંધાયો ડાંગ જિલ્લાના સાપુતારામાં. વરસાદી વાતાવરણ, ચારેકોર હરિયાળી વચ્ચે મહિલા પહાડ ઉપર સેલ્ફી લેવાં જતી હતી. પણ ત્યાં કોઈ પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે મહિલા સીધી 2000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. પણ યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો.
હાલ સાપુતારમાં વરસાદી માહોલને કારણે ચારેબાજુ હરિયાણી છવાયેલી છે. અને સાપુતારાના આહલાદક વાતાવરણનો લ્હાવો માણવા આસપાસના રાજ્યોમાંથી લોકો અહીં આવી રહ્યા છે. નાશિકથી સુષ્મા પગારે નામની મહિલા પણ સાપુતારા નયનરમ્ય વાતાવરણનો આનંદ માણવા માટે આવી હતી. સનરાઈઝ પોઈન્ટ પર આંખોને મોહી લે તેવો નજારો જોતાં જ મહિલાએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવા કોશિશ કરી. તે સેલ્ફી લેતી હતી ત્યાં જ તે 2000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સનરાઈઝ પોઈન્ટ ઉપર પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે મહિલા ખીણમાં ખાબકી હતી.
વરસાદી માહોલને કારણે ખીલમાં ઝાડીઓ ઉગી નીકળી હતી. જેના કારણે મહિલા થોડે આગળ જઈને ઝાડીઓમાં અટકાઈ ગઈ હતી. મહિલા નીચે પડતાં જ બૂમાબૂમ થઈ ગઈ હતી. અને આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર યુવાનો તાત્કાલિક નીચે ઉતરી જઈને ઝાડીઓમાં ફસાયેલી મહિલાને બચાવી લીધી હતી. એકબાજુ લોકો સનરાઈઝ પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે આ દુર્ઘટના સર્જાતા રોષે ભરાયા હતા. તો બીજી બાજુ આપણને પણ સેલ્ફી લેવા જતાં ધ્યાન રાખવું પડે કે, ક્યાંક આપણે પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા નથી ને.