7 વર્ષનો ટેણીયો 5 કિ.મી. ફન રનમાં દોડશે, 2.27 કલાકમાં પુરી કરી હતી કારગીલ મેરેથોન
જુનિયર મિલ્ખાસિંઘનું બિરૂદ પામનાર સોલાપુરનો 7 વર્ષનો ટેણિયો સાંઇશ્વર ગુટુંક રવિવારે યોજાનાર મેરેથોનમાં 5 કિ.મી. ફન રનમાં ભાગ લેશે. સાથે જ 100મી મેરેથોન પૂરી કરશે. તેને મિલ્ખાસિંઘ જેવો બનીને દેશનું નામ રોશન કરવાની ઇચ્છા છે.
2018માં 2 સપ્ટેમ્બરે કારગીલની ઇન્ટરનેશનલ મેરેથોનન 2.27 કલાકમાં પૂરી કરી હતી. સાંઇશ્વર 21 કિ.મી. 99 હાફ મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યો છે. વડોદરા મેરેથોનમાં 21 કિ.મી. દોડમાં ભાગ લેવા માટે આવ્યો હતો. પરંતુ, વડોદરા મેરેથોનના નિયમ મુજબ તે ભાગ લઇ શકે તેમ નથી. આથી તે 5 કિ.મી. ફન રનમાં દોડશે. જોકે, આયોજકોએ સાંઇશ્વરને આજે 21 કિ.મી.ની દોડ પૂરી કરવાનો એવોર્ડ આપીને તેનું સન્માન કરી દીધું હતું. સાંઇશ્વર 42 કિ.મી. 7 મેરેથોન, 10 કિ.મી. 11 મેરેથોન, 3 અલ્ટ્રા મેરેથોનમાં 78 કિ.મી., 83 કિ.મી. અને 75 કિ.મી.માં ભાગ લીધો છે.
કારગીલ અને પંજાબમાં 21 કિ.મી. બે વખત દોડીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવનાર સાંઇશ્વરે વર્ષની ઉંમરમાં દેશમાં મોટી નામના મેળવી છે. આજે વડોદરા ખાતે પિતા કેશવભાઇ સાથે વડોદારા મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા સાંઇશ્વરે મિલ્ખાસિંઘ જેવો બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાંઇશ્વર 3 વર્ષની ઉંમરથી જ દોડી રહ્યો છે. પ્રથમ વખત તે દોઢ કિ.મી.ના 28 રાઉન્ડ માર્યા ત્યારે સૌ કોઇ ચોંકી ઉઠ્યું હતું. તે બાદ તેનો મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે ડોક્ટરો પણ તેની ક્ષમતા જોઇને ચોંકી ઉઠ્યા હતા તેમ પિતાએ ઉમેર્યું હતું.