Site icon Time News

મોરબીમાં 3 બાળક ખાડામાં ડૂબ્યાં; રમતાં રમતાં પાણીમાં ડૂબ્યાંની આશંકા, મૃતદેહ પીએમ માટે ખસેડાયા

મોરબી તાલુકાના પાનેલી રોડ પર આવેલ એક કારખાના નજીક શુક્રવારે બપોરે અત્યંત દુ:ખદ ઘટના બની હતી, જેમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી ત્રણ માસૂમ બાળકોનાં મોત નીપજ્યાં છે. મૃતક 3 બાળકોમાં બે સગા ભાઈ-બહેન અને અન્ય એક બાળકી છે. આ કરૂણ બનાવથી સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને મૃતક બાળકોના પરપ્રાંતીય પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના પાનેલી ગામ તરફ જવાના રસ્તા પર આવેલા આરક્રોસ માઇક્રોન કારખાનાની બહારના ભાગમાં પાણીનો એક ખાડો ભરેલો હતો. શુક્રવારે બપોરે આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ નાના બાળકો આ ખાડાની આસપાસ રમી રહ્યા હતા. રમતા રમતા કોઈ અગમ્ય કારણોસર આ ત્રણેય બાળકો પાણીના ખાડામાં ડૂબી ગયા હતા. આ બાળકોમાંથી કુલદીપ અને ખુશ્બૂ સગાં ભાઈ-બહેન હતાં, જ્યારે પ્રતિજ્ઞા અન્ય એક બાળકી હતી.

બાળકો ડૂબી જવાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને તુરંત જ તેમને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ માસૂમ બાળકોના મોતથી તેમના માતા-પિતા અને સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

ત્રણ ફૂલ જેવા બાળકોના કરૂણ મોતને પગલે પરપ્રાંતીય પરિવારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

આ ગમગીન બનાવ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ કરી છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારખાનાની બહાર ભરાયેલા આ જોખમી પાણીના ખાડાને લઈને કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ તે અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો, Chhota Udepur: પ્રસૂતાને 5 કિલોમીટર ઝોળીમાં ઊંચકી 2 કલાકે હોસ્પિટલ પહોંચાડી, 10 દિવસ પહેલાં એક સગર્ભાનું મોત થયું હતું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version