National
ભારત – બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાક એલર્ટ, સેનાના જવાનોની સંખ્યામાં વધારો
ભારત – બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારત – બાંગ્લાદેશ બોર્ડર પર સેનાના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનામત હટાવવાની માંગ સાથે શરૂ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવવા માટે રવાના થયા છે.
પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.
સમગ્ર મામલે બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું છે કે, અમે લોકોની માંગ પૂરી કરીશું. તોડફોડથી દૂર રહો. તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી નાખીશું. લડાઈ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. અમે આજે પાર્ટીના તમામ નેતાઓ સાથે વાત કરી છે. બાંગ્લાદેશના આર્મી ચીફે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમને જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશમાં સેના વચગાળાની સરકાર બનાવશે. શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. બાંગ્લાદેશમાં બળવાને પગલે શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે.