AMCની લાલ આંખ, નિર્ણયનગરમાં પાર્કિંગમાં બનાવેલી 21 દુકાનો તોડી પડાઇ
અમદાવાદના નિર્ણયનગરમાં પાર્કિંગની જગ્યામાં 104 દુકાનોએ માર્જિનની જગ્યા ઉપર બાંધકામ કરી દેતા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે દુકાનો તોડી પાડી હતી. અહીં દુકાનદારોએ મુખ્ય માર્ગ ઉપર 15 ફૂટ જેટલું બાંધકામ બહારના ભાગે કરી દેતા રસ્તો સાંકડો થઈ જતાં મ્યુનિ.માં 16 વાર લેખિત ફરિયાદ થતાં મંગળવારે દુકાનો તોડી પાડવાનું કામ શરૂ કરાયું હતું.
અહીં 104 દુકાનમાંથી માત્ર 11 દુકાનદારે જ ઇમ્પેક્ટ ફી ભરતા બાકીની દુકાનો તોડી પાડવાનું કામ હાથ ધરાયું હોવાનું મ્યુનિ.અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે મોટા ભાગના લોકો સ્વેચ્છાએ મ્યુનિ.ની કામગીરીમાં સહકાર આપતા કોઇ ઘર્ષણ થયું નથી.
મુખ્ય રસ્તાની એક તરફ સ્વામિનારાયણ મંદિર જ્યારે બીજી તરફ સ્વામિનારાયણ સ્કૂલ આવેલી હોવાને કારણે વાહનોની અવરજવર વધુ રહેતી હતી. એવામાં દુકાનદારોએ બાંધકામ કરી દેતાં રોડ સાવ સાંકડો થઇ ગયો હતો. પરિણામે સ્થાનિક કોર્પોરેટર ભાવના વાઘેલાએ 6 વાર અને આસપાસની સોસાયટીઓએ 10 વાર કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ડેપ્યુટી એસ્ટેટ એન્ડ ડેવલપમેન્ટ અધિકારી રાજેન્દ્ર જાદવે કહ્યું કે, દુકાનદારોએ પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરતા વાહનો રસ્તા પર પાર્ક થતાં હતા. જો કે કામગીરી કેટલાક સમય પહેલા શરૂ કરાયેલી ટ્રાફિક ડ્રાઇવને અનુલક્ષીને જ કરવામાં આવી હતી.
સ્થાનિક કોર્પોરેટરની વારંવાર ફરિયાદોને કારણે દુકાનો તોડી પડાઇ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોર્પોરેટર ભાવના વાઘેલાને પૂછતા તેમણે પતિને ફોન આપી દીધો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય કૌશિક પટેલે લેટર પેડ ઉપર દબાણવાળા સ્થળોની વિગત માંગતા માહિતી આપી હતી.