વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત 100થી વધુ ઉચ્ચ અધિકારીઓના કેવડિયામાં ધામા

સ્ટેચ્યુ ઓફ યુનિટી એક વર્ષ પૂર્ણ થતાં 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદીની હાજરીમાં કેવડિયા ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને કેવડિયામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઇને કેન્દ્રીય ગૃહ સચિવ અભય ભલ્લાની આગેવાનીમાં 100થી વધુ ઉચ્ચ અધિકારીઓએ આજે કેવડિયામાં ધામા નાખ્યા છે અને સુરક્ષા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ, ડીજીપી શિવાનંદ ઝા, સેન્ટ્રલ આઈ.બી. ચીફ બીએસએફના ડીજી, સીઆરપીએફના ડીજી, એસએસજીના ડીજી, સીઆઇએસએફના ડીજી અને આઇટીબીપીના ડીજી હાજર રહ્યા હતા. આ ઉપરાંત એડીજીપી મનોજ શશીઘર, આઇજી જી.એસ.મલિક અને ડીઆઇજી પિયુષ પટેલ સહિત ગુજરાત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
31 ઓક્ટોબર, 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા નર્સરી અને વિવિધ રાજ્યોના ભવનો સહિતના પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. મોદી કેવડિયાની તેમની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરશે.