Site icon Time News

વૈશ્વિક તેલ બજારમાંથી 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ! ટ્રમ્પે આપી ભયાનક મહામંદીની ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે આ સપ્તાહે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) બાદ ભલે વૈશ્વિક સ્તરે રાહતનો શ્વાસ લેવાયો હોય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરી ખોલી દેવામાં આવી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય તેલ બજાર માટે આ રાહત માત્ર ક્ષણિક સાબિત થઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે ઊર્જા સંકટ હજુ ટળ્યું નથી અને વૈશ્વિક બજાર માટે ભારે મોડું થઈ ચૂક્યું છે. એનાલિટિક્સ ફર્મ ‘કેપ્લર’ના તાજા રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાં છેલ્લા 4 મહિનાથી તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ હોવાના કારણે દુનિયાભરના બજારોમાંથી 1.15 અબજ બેરલ કાચું તેલ ગાયબ થઈ ગયું છે. આ ભયંકર અછતે વૈશ્વિક તેલ બજારને એક એવા જોખમી વળાંક પર લાવીને ઊભું રાખ્યું છે જ્યાંથી પરિસ્થિતિ ગમે ત્યારે નિયંત્રણ બહાર જઈ શકે છે.

હાલમાં અમેરિકાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ છેલ્લા 43 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે અને દુનિયાભરના કોમર્શિયલ ગોડાઉનો ખાલી થવાની કગાર પર છે. કાચા તેલની આ ભારે અછતને કારણે મહાશક્તિઓના માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. G7 શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંકટની ભયાનકતા વિશે વાત કરતા ગંભીર ચેતવણી આપી હતી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “જો તમે અસલી તબાહી અને અફરાતફરી જોવા માંગતા હોવ તો બસ થોડી રાહ જુઓ. આપણી પાસે રહેલો ઇમરજન્સી ઓઇલ સ્ટોક હવે માંડ આગામી 4 સપ્તાહ સુધી ચાલે તેટલો જ બચ્યો છે.” તેમણે ચેતવણી આપી કે, જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં સહેજ પણ મોડું થયું હોત, તો વિશ્વએ વર્ષ 1929ની ઐતિહાસિક મહામંદી કરતાં પણ વધુ ભયાનક આર્થિક તબાહી જેવી સ્થિતિ સર્જાઇ હોત. રાજદ્વારી સમજૂતીના સમાચાર વહેતા થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધ દરમિયાન ચઢેલા ક્રૂડ ઓઇલના ભાવ $126.41 થી ઘટીને હાલમાં $80 પ્રતિ બેરલની નીચે આવી ગયા છે, પરંતુ નિષ્ણાતો આ ઉત્સાહને તદ્દન અસ્થાયી માની રહ્યા છે.

Exit mobile version